મ્યાનમાર છોડવા, પ્રવાસ ન ખેડવા ભારતીયોને સરકારની સલાહ
આપણા પાડોશી દેશ મ્યાનમારમાં ઝડપથી તણાવ ફેલાઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં ભારતીય નાગરિકોને રખાઈન રાજ્યમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, રખાઈન રાજ્યમાં રહેતા ભારતીય નાગરિકોએ તાત્કાલિક કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ જવું જોઈએ. હિંસામાં વધારો, લેન્ડલાઈન સહિત ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં વિક્ષેપ અને આવશ્યક ચીજવસ્તુઓની અછત સહિતની વર્તમાન પરિસ્થિતિને કારણે તમામ ભારતીયોને રખાઈન રાજ્યમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે જે ભારતીય નાગરિકો પહેલેથી જ રખાઈન રાજ્યમાં રહે છે તેમને તાત્કાલિક રાજ્ય છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. દરેકને યંગુનમાં ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન જરૂૂરી છે જેથી લોકોને ઈમરજન્સીના સંજોગોમાં સુવિધા પૂરી પાડી શકાય.
1 ફેબ્રુઆરી, 2021 ના રોજ, સેનાએ મ્યાનમારમાં બળવો કર્યો. સેનાએ સત્તા સંભાળી લીધી હતી. ત્યારથી, મ્યાનમારમાં લોકશાહીની પુન:સ્થાપનની માંગ સાથે વ્યાપક હિંસક દેખાવો થઈ રહ્યા છે. રખાઈન રાજ્ય અને અન્ય કેટલાક વિસ્તારોમાં ગયા વર્ષે ઓક્ટોબરથી સશસ્ત્ર વંશીય જૂથો અને મ્યાનમારની સેના વચ્ચે ગંભીર લડાઈ જોવા મળી રહી છે.