સોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએ
ટ્રમ્પે તલવાર મ્યાન કરતાં રાતોરાત સોનું 10 ગ્રામે 3500 અને ચાંદી કિલોએ 2700 ઉછળી 94,550ની નવી ટોચે
અમેરિકન રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વિશ્ર્વભરના દેશો ઉપર લગાવેલા ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરતા જ વ્યાપાર ઉદ્યોગમાં નવો તેજીનો દૌર શરૂ થયો છે. શેરબજાર તેમજ અન્ય ક્ષેત્રો સાથે સોના-ચાંદીના ભાવો પણ રિતસર સળગ્યા છે અને ભારતમાં રાતોરાત સોના-ચાંદીના ભાવો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ટ્રમ્પે ટેરિફ વોરની તલવાર મિયાન કરતા જ ભારતમાં સોનામાં રાતોરાત 10 ગ્રામે રૂા. 3500નો ઉછાળો નોંધાયો હતો અને રૂા. 94,550ની સર્વોચ્ચ સપાટીએ ભાવો પહોંચ્યા હતાં. આજ રીતે ચાંદીના ભાવોમાં પણ કિલો રૂા. 2700 ઉછળી 94,550ની નવી સપાટીએ પહોંચ્યા હતાં.
અમેરિકામાં ટ્રમ્પની જાહેરાત બાદ સોનાના ભાવ ઉછળીને 3165 ડોલરની સપાટીએ બંધ થયા હતાં. આ પૂર્વે સોનાનો ભાવ ઉછળીને 3168 ડોલર સુધી પહોંચી ગયો હતો.
સોના-ચાંદીના વેપારીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પે ટેરિફ વોરમાં 90 દિવસનો બ્રેક આપતા બજારમાં જબરી તેજી આવી છે ને તેના કારણે સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલ સુધી સોનું તુટી રહ્યું હતું પરંતુ ટ્રમ્પની જાહેરાત બાદ અચાનક તેજીનું વાવાઝોડું ફુંકાયુ છે. આગામી દિવસોમાં પણ જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થતી જશે તેમ તેમ બજારમાં ચડાઉ-ઉતાર આવતા રહેશે. પરંતુ અમુક નિષ્ણાંતોની રૂા. 50000ના લેવલે સોનું પહોંચવાની જે અગમવાણી હતી તે માત્ર ગફગોળા સમાન જ હતી.
ટ્રમ્પની જાહેરાત બાદ વેપાર-ઉદ્યોગના શ્ર્વાસ હેઠા બેઠા હોય તેમ વિશ્ર્વભરના શેરબજારોમાં પણ આજે જોરદાર તેજી જોવા મળી હતી અને સતત તુટી રહેલું ક્રુડ પણ ઉંચકાયું હતું અને એક જ રાતમાં 4.23%નો ઉછાળો જોવા મળ્યો હતો.