ગ્લેન મેક્સવેલ ટી-20માં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્ર્વનો પ્રથમ ખેલાડી
50 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે તોફાની સદી, રોહિત શર્માની બરાબરી
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ફરી એક વાર ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે. રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ગ્લેન મેક્સવેલે વધુ એક તોફાની સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી, જે આજે પણ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયેલો છે. ગ્લેન મેક્સવેલ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
જમણા હાથના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 બોલમાં પાંચમી સદી પુરી કરી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ 64 રનમાં જ પડી ગઈ હતી, પરંતુ ગ્લેન મેક્સવેલના તોફાનમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરો ઉડી ગયા હતા. એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ગ્લેન મેક્સવેલે 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને 55 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 120 રન બનાવીને અણનમ રહ્યો હતો. રોહિત શર્માએ જાન્યુઆરીમાં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અગાઉ રોહિત શર્મા, ગ્લેન મેક્સવેલ અને સૂર્યકુમાર યાદવે ટી-20 ક્રિકેટમાં 4-4 સદી ફટકારી હતી. જાન્યુઆરીમાં રોહિતે પોતાની પાંચમી સદી ફટકારી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં ગ્લેન મેક્સવેલે પણ પાંચમી સદી ફટકારીને તેની બરાબરી કરી હતી. જોકે લાંબા સમય સુધી રોહિત શર્માનું નામ ચાર સદી સાથે ટી-20માં નોંધાયું હતુ.
આ ઇનિંગમાં ગ્લેન મેક્સવેલે પણ ફટકાબાજી કરી હતી. સ્વીચ હિટ પર સિક્સર ફટકારી હતી અને તેના 107 મીટર પર એક સિક્સર પડી હતી. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, મેક્સવેલ આજે કેવા મૂડમાં દેખાયો હતો. ઘણીવાર આવી ઇનિંગ્સ મેક્સવેલના બેટથી જોવા મળે છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં આપણે તેના બેટથી ઘણી અસાધારણ ઇનિંગ્સ જોઇ છે, જેમાં બે સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે, જે વનડે વર્લ્ડ કપ દરમિયાન આવી હતી.