For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જર્મનીમાં ફસાયેલી બાળકીને પ્રથમ વખત પર્યુષણ ઉજવવા મળી મંજૂરી

04:06 PM Sep 10, 2024 IST | Bhumika
જર્મનીમાં ફસાયેલી બાળકીને પ્રથમ વખત પર્યુષણ ઉજવવા મળી મંજૂરી
Advertisement

અરિહાને બે દિવસ એક-એક કલાક જૈન ધર્મનો પાયાનો મંત્ર શીખવ્યો, મુંબઇથી ખાસ ગયેલા ધુ્રવી વૈદે પર્યુષણની આરાધના કરાવી

જર્મનીના ફોસ્ટર કેરમાં ત્રણ વર્ષથી ફસાયેલી 3.5 વર્ષની ભારતીય બાળકી અરિહા શાહને પ્રથમ વખત જૈન ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવાર પર્યુષણને ઉજવવાની મંજૂરી મળી હતી. માત્ર જર્મન વાતાવરણ વચ્ચે ઉછેર પામતી આ જૈન દીકરી અરિહાને પોતાના જૈન તહેવાર પર્યુષણની આરાધના કરાવવા ખાસ મુંબઈથી 22 વર્ષીય ધ્રુવી વૈદ, જેઓ લુક એન લર્ન નામની જૈન પાઠશાળામાં નાના બાળકોને જૈન ધર્મ શીખવાડે છે અને જર્મન ભાષાના બીટુ લેવલના જાણકાર છે, તેઓ બર્લિન (જર્મની) ગયા હતા. આ 3 વર્ષમાં પ્રથમ વખત જ એવું બન્યું કે માતા પિતાને છોડીને અરિહા કોઈ અન્ય ભારતીયને મળી હતી.

Advertisement

સકલ જૈન સમુદાય વતી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના શિષ્ય પરમ વિનમ્રમુનિ મહારાજ છેલ્લા એક વર્ષથી જર્મન એમ્બેસી ન્યૂ દિલ્હી અને જર્મન વિદેશ મંત્રાલય, બર્લિન સાથે સતત સંપર્કમાં રહી અરિહા ભારત કેવી રીતે આવી શકે અને જ્યાં સુધી જર્મનીમાં છે, ત્યાં સુધી અરિહાને ધર્મ અને ગુજરાતી ભાષા શીખવાનો મોકો મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. એક વર્ષ સુધી અવિરત પ્રયાસો બાદ, જર્મન વિદેશ મંત્રાલય જર્મન ચાઇલ્ડ સર્વિસને સમજાવવામાં સફળ રહી, અરિહાને જૈનોનું પાવન પર્યુષણ પર્વ ઉજવવા સંમતી મળી.

ચાઇલ્ડ સર્વિસે માત્ર બે દિવસ માટે અરીહાને 1-1 કલાક મળવાની મંજૂરી આપી હતી. અરિહાને જૈન ધર્મનો પાયાનો મંત્ર - નમસ્કાર મંત્ર, તસ્સ મિચ્છામિ દુક્કડં, જય જિનેન્દ્ર સીખવામાં આવ્યું. માંગલિક, ઉવસગ્ગહરં ના નાદ સાંભળવા મળ્યા. ગિરનારજી તીર્થ, પાલીતાણા તીર્થના વર્ણન કરાવવામાં આવેલ. ભગવાન મહાવીર, ભગવાન પાર્શ્વનાથના ચિત્રપટ દ્વારા દર્શન કરાવી તેને ભગવાનની ઓળખ કરાવી. અરિહાને જીવદયા અને નાના જીવોની રક્ષા કરવી તે પણ શીખવાડ્યું.

અરિહામાં ભારત દેશ માટેના દેશ-ભક્તિના ભાવો જાગે અને હું ભારતીય છું તે એહસાસ પ્રગટે તે માટે તેને આપણું ગૌરવ એવા રાષ્ટ્રધ્વજને વંદન પણ કરાવ્યા અને બહુ ઉલ્લાસથી અરિહાએ તિરંગા ને લહેરાવ્યો અને પોતાના સાથે પણ લઇ ગઈ.

આ 2 દિવસની મુલાકાતમાં અરિહાને ગુજરાતી જૈન ભોજન પણ આપવામાં આવ્યું અને જયારે પૂછવામાં આવ્યું તને શું આ ભાવે? તો અરિહા કહે કે રોટલી, ફાફડા, ખાંડવી, ખાખરા બહુ ભાવે છે. આ દેખાડે છે કે જર્મનીમાં રહેવા છતાં તેની રગ રગમાં ભારતીયતા વહી રહી છે. છેલ્લે જતા વખતે અરિહાએ ધ્રુવી વૈદ ને પૂછ્યું ફરી પાછા તમે મને ક્યારે મળશો? તમે મારી સાથે આવોને. માત્ર ભારત નહિ પરંતુ યુકે, યુએસએ, મલેશીયા, શિંગાપોર, નાઈરોબી, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ જેવા અનેક દેશોમાં વસ્તી જૈન કોમ્યુનિટીએ પણ જર્મન સરકારને ત્યાં રહેલ જર્મન એમ્બેસીને પત્રો લખી નારાઝગી વ્યક્ત કરી છે.

અરિહા ને ભારત પાછી લાવવા ભારતીય વિદેશ મંત્રાલય ઘણા સમય થી પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ જર્મન ચાઇલ્ડ સર્વિસ અરિહા ને છોડવા તૈયાર નથી થઇ રહી. ત્યારે એક પ્રશ્ન બધાને છે કે એક ભારતીય બાળક જેને ભારત સરકાર ભારત મોકલવાની માંગ કરી રહ્યું છે તેને જર્મનીમાં રાખીને જર્મન સરકાર કેમ તેના ભારતીયસંસ્કારોને નષ્ટ કરી રહી છે ??

Advertisement
Tags :
Advertisement
Advertisement