રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને
અમેરિકી પહેલ પછી ધનિક દેશો સંયુક્ત કાર્યવાહી કરવાની ફિરાકમાં
સાત દેશોનો સમૂહ જી-7 રશિયા પાસેથી ઓઈલની ખરીદી અંગે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ આ સમૂહ એવા દેશોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે જે રશિયા પાસેથી ઓઈલની ખરીદી વધારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન રશિયન ઓઈલના મુખ્ય ખરીદદારો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા તેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
બુધવારે જી-7 એ જાહેરાત કરી હતી કે રશિયા પર દબાણ લાવવા માટે સંયુક્ત પગલાં લેવામાં આવશે. જી-7ના નાણામંત્રીએ જણાવ્યું હતું કે યુક્રેન સામેના આક્રમણને કારણે રશિયાની આવક ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સભ્ય દેશોની બેઠક દરમિયાન ટેરિફ અને આયાત અને નિકાસ પ્રતિબંધ જેવા વેપાર સંબંધિત પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદન અનુસાર, અમે એવા લોકોને નિશાન બનાવીશું જેમણે યુક્રેન પરના આક્રમણ પછી રશિયન ઓઈલની ખરીદીમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે.સપ્ટેમ્બરમાં અમેરિકાએ જી-7ને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવા વિનંતી કરી હતી.
અમેરિકાએ ભાર મૂક્યો કે ફક્ત બધા એકસરખા પ્રયાસ કરશે તો જ રશિયાની યુદ્ધ મશીનને ફન્ડિંગ થતું બંધ કરી શકાશે. અમેરિકાએ એમ પણ કહ્યું કે આમ કરવાથી જ રશિયા દ્વારા થતી ‘મુર્ખામીભરી કતલ’ને રોકવા માટે પૂરતું દબાણ લાવી શકાશે.
જી-7માં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, ઈટાલી, જાપાન અને બ્રિટન સહિત સમૃદ્ધ ઔદ્યોગિક દેશોનું એક ઈન્ટરનલ ગવર્મેન્ટ ગ્રૂપ છે. કેનેડા આ વર્ષે જ જી-7ની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે ચીન માટે આ આંકડો 30 ટકા છે. ટ્રમ્પે શરૂૂઆતમાં ભારત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને રશિયન ઓઈલ ખરીદવા બદલ દંડ લાદ્યો હતો. બાદમાં તેમણે વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી.