શનિવારથી ભારત-પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપ માટે જામશે જંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર રમતના મેદાન પર સખત સ્પર્ધા થવાની છે. જોકે, આ વખતે આ લડાઈ ક્રિકેટના મેદાન પર નહીં પરંતુ ટેનિસ કોર્ટ પર થશે. લગભગ છ દાયકાની લાંબી રાહ બાદ ભારતીય ટેનિસ ટીમ ડેવિસ કપ માટે પાકિસ્તાનની મુલાકાતે આવી છે. બંને ટીમો 3 અને 4 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના પાકિસ્તાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સામસામે ટકરાશે. ભારતીય ટેનિસ ટીમ વર્લ્ડ ગ્રુપ 1 પ્લેઓફમાં પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. તેમાં કુલ 24 રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. આ પછી, કુલ 12 વિજેતા ટીમો વર્લ્ડ ગ્રુપ 1 માં પ્રવેશ કરશે. જ્યારે હારનાર ટીમોએ વર્લ્ડ ગ્રુપ 2માં રમવું પડશે. ડેવિસ કપની મેચમાં પાંચ મેચ હોય છે. જેમાં ચાર સિંગલ મેચ અને એક ડબલ્સ મેચ છે. આખી મેચ જીતવા માટે ટીમે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂૂરી છે. 1966, 1974 અને 1987 ડેવિસ કપ ભારત માટે શાનદાર રહ્યા છે. આ ત્રણ વર્ષમાં ભારત રનર્સઅપ રહ્યું છે. બોપન્ના ઉપરાંત સ્ટાર ખેલાડી સુમિત નાગલ પણ આ ટીમનો ભાગ નથી. આ સિવાય શશીકુમાર મુકુંદ પોતાના અંગત કારણોસર ટીમનો ભાગ નથી. જ્યારે વર્તમાન ટીમમાં રામકુમાર રામનાથન અને સાકેત મિનેનીનો સમાવેશ થાય છે જેમણે એશિયન ગેમ્સ 2023ની ડબલ્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. યુકી ભામ્બરી લાંબી ઈજા બાદ વાપસી કરી છે. તેની વાપસી બાદ તે સારા ફોર્મમાં પણ જોવા મળી રહ્યો છે.