પાક.ના પૂર્વ પીએમ ઇમરાનના જેલમાં મૃત્યુની અફવા નકારી તંત્રએ કહ્યું, તે સ્વસ્થ છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અદિયાલા જેલમાં પૂરી પાડવામાં આવતી પરિસ્થિતિઓ અને સુવિધાઓ અંગેના પ્રશ્નો વચ્ચે, હવે માહિતી બહાર આવી છે. રાવલપિંડીની અદિયાલા જેલ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે પીટીઆઈના સ્થાપક જેલમાં જ છે અને સંપૂર્ણપણે સ્વસ્થ પણ છે.ઇમરાન ખાનની ટ્રાન્સફર અને સ્વાસ્થ્યને લગતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે અને તેમને તમામ જરૂૂરી તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. ઇમરાન ખાનની જેલની સ્થિતિ અંગેના પ્રશ્નો વચ્ચે, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પણ વાત કરી. તેમણે દાવો કર્યો હતો કે ખાનને જેલમાં પહેલા કરતાં ઘણી વધુ આરામ અને સુવિધાઓ મળી રહી છે. આસિફે કટાક્ષમાં કહ્યું કે ખાનને આપવામાં આવતો ખોરાક ફાઇવ સ્ટાર હોટલ કરતાં વધુ સારો છે.
મંત્રીએ એમ પણ કહ્યું કે ઇમરાન ખાનને ટેલિવિઝનની સુવિધા આપવામાં આવી છે તેમના સેલમાં કસરત માટે ફિટનેસ મશીનો પણ છે. તેમના જેલના અનુભવની તુલના પોતાના સાથે કરતા, આસિફે કહ્યું કે ધરપકડ દરમિયાન તેમને અત્યંત કઠોર પરિસ્થિતિઓમાં રહેવું પડ્યું હતું. મંગળવારે, ઇમરાન ખાનની બહેનો, અલીમા ખાન, નોરીન નિયાઝી અને ડો. ઉઝમા ખાને તેમના સમર્થકો સાથે જેલની બહાર ધરણા કર્યા.
તેમણે આરોપ લગાવ્યો કે તેમને ઇમરાન ખાનને મળવા દેવામાં આવ્યા ન હતા. વિરોધ દરમિયાન, પંજાબ પોલીસ દ્વારા બળજબરીનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.આ ઘટનાઓ વચ્ચે, ઇમરાન ખાનના અચાનક મૃત્યુ અને તેમને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવાની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાવા લાગી. જો કે, આમાંથી કોઈ પણ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.