નેધરલેન્ડના પૂર્વ પીએમ, પત્નીએ એક સાથે મૃત્યુ વહાલુ કર્યું
નેધરલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન ડ્રાઈસ વેન એગ્ત અને તેમની પત્ની યુજેન લગભગ 70 વર્ષ એકબીજા સાથે વિતાવ્યા બાદ મોતને ભેટી ગયા છે. બંનેની ઉંમર 93-93 વર્ષ હોવાનું કહેવાય છે.
ડ્રાઈસ અને યુજેન લાંબા સમયથી બીમાર હતા. આટલું જ નહીં, તેઓ ખૂબ જ ઘરડા પણ થઈ ગયા હતા. આ જ કારણ છે કે તેઓએ ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. દેહ છોડતા સમયે પણ ડ્રાઈસ અને યુજેને એકબીજાના હાથ પકડી રાખ્યા હતા. પૂર્વ પીએમ ડ્રાઈસ તેની પત્ની યુજેનને ખૂબ પ્રેમ કરતાં હતા. તેઓ સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખતા હતા. થોડા વર્ષો પહેલા, એક ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન, યુજેને કહ્યું હતું કે આજે પણ ડ્રાઈસ તેને પ્રેમથી ‘માય ગર્લ’ કહીને બોલાવે છે.
નેધરલેન્ડની એક કાનૂની અધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર, ડ્રાઈસ વેન એગટ અને યુજેનને એક્ટિવ યૂથેનેસિયાનું ઈન્જેક્શન આપીને મૃત્યુ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમના નશ્વર દેહો પાસ-પાસેની કબરોમાં દફનાવવામાં આવ્યા હતા.
ડ્રાઈસ વેન એગ્તે 1977 અને 1982 દરમિયાન નેધરલેન્ડના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓ ક્રિશ્ચિયન ડેમોક્રેટ પાર્ટીનો ભાગ હતો. 2019માં એક અકસ્માતમાં બ્રેઈન હેમરેજ બાદ ડ્રાઈસ સંપૂર્ણપણે લાચાર અને પથારીવશ થઈ ગયા હતા. જ્યારે તેમની સાથે આ અકસ્માત થયો ત્યારે તેઓ સેમિનાર હોલમાં ભાષણ આપી રહ્યા હતા.