સિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં વિદેશી નાગરિકનો ગળાફાંસો ખાઇ આપઘાત
રશિયાના પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અફેરની જાણકારી મળતાં લાગી આવ્યું
જામનગર નજીકના દરિયામાં લાંગરેલી રશિયાની એક શીપમાં મિસ્ટર પીવનેકો દેમિત્રી નામના 47 વર્ષના રશિયન નાગરીકે ગઈકાલે શીપ ની અંદર જ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે જામનગરના એટલાન્ટિક શિપિંગ કંપનીના કર્મચારી યુવરાજસિંહ હરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એસ. પોપટ તેમજ રાઈટર એસ.કે. જાડેજા વગેરે દરિયામાં લાંગરેલી રશિયનશિપમાં પહોંચ્યા હતા, જ્યાંથી મૃતદેહનો કબજો સંભાળી જામનગર લઈ આવ્યા બાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે તેનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, અને શીપિંગ એજન્ટના માધ્યમથી મૃતદેહને કોફીનમાં પેક કરીને રશીયા પરત મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન શિપના અન્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર મૃતક યુવાન કે જેની પત્ની સાથે વાંધો પડ્યો હતો, અને તેની પત્નીને રશિયામાં કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેર હોવાનું જાણવા મળી જતાં વ્યથિત થઈને તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા તે અંગેની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે.