ફૂટબોલ સુપર સ્ટાર એમ્બાપે પીએસજીનો સાથ છોડી રિયલ મેડ્રિડ સાથે હાથ મિલાવશે
પેરિસ સેન્ટ જર્મન સાથેનો કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે
ફ્રાન્સનો સુરસ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપે તેની ફૂટબોલ ક્લબ બદલે તેવી પ્રબળ શક્યતા છે. એક અંદાજ મુજબ એમ્બાપે હાલની પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ફૂટબોલ ક્લબનો સાથ છોડી શકે છે અને ટૂંક સમયમાં તે રિયલ મેડ્રિડ સાથે હાથ મિલાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉનાળામાં પેરિસ સેન્ટ જર્મન સાથે એમ્બાપેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ એમ્બાપે રિયલ મેડ્રિડના ઉચ્ચ અધિકારીઓના સતત સંપર્કમાં છે.એમ્બાપે અગાઉ લિવરપૂલ ક્લબમાં જોડાવા અંગે વિચાર કરી રહ્યો હતો, પરંતુ હવે તેણે નિર્ણય બદલ્યો છે. જો તે પીએસજી છોડે છે અને મેડ્રિડ સાથે હાલ મિલાવે છે તો તે મોટી વાત ગણાશે. 2018માં એમ્બાપેએ પીએસજીમાં જોડાવા માટે મોનાકો સાથે છેડો ફાડ્યો હતો. પીએસજીએ 18 કરોડ યુરોમાં તેને કરારબદ્ધ કર્યો હતો. તેણે ક્લબ તરફથી રમતા 288 મેચમાં 241 ગોલ ફટકાર્યા છે.
એમ્બાપે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર તરીકે જાણીતો બન્યો છે. 2018માં ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સને તેણે ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 2022 વર્લ્ડ કપમાં પણ તેણે પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. ફાઈનલમાં આર્જેન્ટિના સામે તેણે ત્રણ ગોલ ફટકાર્યા હોવા છતાં તેની ટીમને જીતાડી શક્યો ન હતો. ગોલ્ડન બૂટ મેળવનારા એમ્બાપેના ચહેરા પર વર્લ્ડ કપમાં ફ્રાન્સને ચેમ્પિયન નહીં બનાવી શકવાનો રંજ સ્પષ્ટ જણાતો હતો.
પીએસજી સાથે મે 2022માં બે વર્ષ માટેનો કરાર કર્યા બાદ એમ્બાપેના કરારમાં વધારાના એક વર્ષનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો હતો જેનો તેણે સ્વીકાર કર્યો ન હતો. આમ એમ્બાપે ટૂંક સમયમાં જ રિયલ મેડ્રિડ સાથે જોડાણની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.