શ્રીલંકન નૌસેનાના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારો ઘાયલ, MEAએ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
આજે(28 જાન્યુઆરી, 2025) ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટનામાં પાંચ માછીમારો ઘાયલ થયા હતા. પાંચમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબારની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને ટાપુના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે.
વિદેશ મંત્રાલયે ટાપુના કાર્યવાહક હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે અને તેમના વરિષ્ઠ રાજદ્વારી સમક્ષ સખત વાંધો નોંધાવ્યો છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બળપ્રયોગ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
મંત્રાલયે કહ્યું કે, “મંગળવારે સવારે શ્રીલંકન નેવી તરફથી ડેલ્ફ્ટ આઇલેન્ડ પાસે 13 ભારતીય માછીમારોને પકડવાની માહિતી મળી હતી. માછીમારોની બોટમાં 13 લોકો સવાર હતા, જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને માછીમારોની જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સિવાય અન્ય ત્રણ માછીમારોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે અને તેઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ જાફનામાં ઘાયલ માછીમારોની હોસ્પિટલમાં મુલાકાત લીધી, તેમની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ટાપુના ઉચ્ચાયુક્તને આજે સવારે નવી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને આ ઘટના પર સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે કોલંબોમાં ભારતીય હાઈ કમિશને પણ આ મુદ્દો શ્રીલંકાના વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત સરકારે હંમેશા આજીવિકાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને માછીમારો-સંબંધિત મુદ્દાઓ સાથે માનવીય રીતે વ્યવહાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે." બળનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ સંબંધમાં બંને સરકારો વચ્ચે હાલની સમજૂતીનું કડકપણે પાલન કરવું જોઈએ."