ગાઝાની શાંતિ યોજનાનું પ્રથમ ચરણ, છતાં કાયમી શાંતિ વિશે ભારોભાર આશંકા
વિશ્ર્વમાં સાત યુધ્ધ રોકાવાનો દાવો કરી રહેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દાવામાં સચ્ચાઇ છે કે નહીં ગાઝા યુધ્ધ રોકવાના તેમના પ્રયાસો કંઇક અંશે રંગ લાવ્યા છે. પોતાની શાંતિ યોજનાના ઔપચારિક અંત માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ઇજિપ્ત અને ઇઝરાયેલના પ્રવાસે છે. જેમાં વિશ્ર્વના અનેક દેશોની હાજરીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે કરાર પર હસ્તાક્ષર સાથે પ્રથમ તબક્કાનો યુધ્ધવિરામ શરૂ થશે. યોજના મુજબ હમાસે આજે ઇઝરાયેલી બંધકોને છોડવાના રહેશે.
શાંતિ કરારનું પ્રથમ ચરણ અમલી બની રહ્યું છે છતાં ઘણાના મનમાં ગાઝામાં કાયમી શાંતિ જમાવશે કે કેમ તે વિશે આશંકા છે. યોજના અનુસાર, ગાઝા પટ્ટીને સંપૂર્ણપણે બિનલશ્કરીકરણ કરવાની છે. આનો અર્થ એ છે કે તમામ લશ્કરી, આતંકવાદી અને આક્રમક માળખાને તોડી પાડવામાં આવશે, જેમાં હમાસ આતંકવાદીઓ દ્વારા તેમના રોકેટ, બંદૂકો અને દારૂૂગોળો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતી ટનલના નેટવર્કનો સમાવેશ થાય છે.
યુએસ ગુપ્તચર એજન્સીઓ અનુસાર, હમાસે યુદ્ધ દરમિયાન આશરે 15,000 નવા લડવૈયાઓની ભરતી પણ કરી હતી. ઇઝરાયલ ઇચ્છે છે કે આ બધા સભ્યો તેમના શસ્ત્રો સોંપી દે અને ભવિષ્યમાં લડાઈ ન લડવાની પ્રતિજ્ઞા લે. જો કે, હમાસની શરત એવી રહી છે કે તે સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના પછી જ શરણાગતિ સ્વીકારશે. શાંતિ યોજના અનુસાર, ગાઝા શાંતિ બોર્ડની દેખરેખ હેઠળ પેલેસ્ટિનિયન નિષ્ણાતોની એક કામચલાઉ સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવશે.
ટ્રમ્પ પોતે પીસ બોર્ડના અધ્યક્ષ રહેશે, અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર પણ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. પેલેસ્ટિનિયન ઓથોરિટીમાં સુધારા પછી, ગાઝાનું વહીવટ તેને સોંપવામાં આવશે, પરંતુ તેમાં હમાસની કોઈ સીધી કે પરોક્ષ ભૂમિકા રહેશે નહીં. જે હમાસ સભ્યો ઇઝરાયલ સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સ્વીકારે છે તેમને માફી આપવામાં આવશે અને અન્ય દેશોમાં દેશનિકાલ કરવામાં આવશે. જોકે, હમાસે અત્યાર સુધી ઇઝરાયલના અસ્તિત્વને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બીજી બાજુ, નેતન્યાહૂએ ટ્રમ્પની શાંતિ યોજનાને સંપૂર્ણપણે સ્વીકારી લીધી હશે, પરંતુ તેઓ ગાઝાના વહીવટને પેલેસ્ટિનિયન ઓથોરિટીને સોંપવા માંગતા નથી.
ટ્રમ્પ ગાઝા યુદ્ધવિરામને પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ તરફનું પ્રથમ પગલું ગણાવે છે, પરંતુ તેઓ એ પણ સ્વીકારે છે કે પેલેસ્ટિનિયનોને તેમનું વતન પ્રાપ્ત કર્યા વિના કોઈ કાયમી શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી. પેલેસ્ટિનિયનો પશ્ચિમ કાંઠા અને ગાઝામાં પોતાનો દેશ ઇચ્છે છે, જેમાં પૂર્વ જેરુસલેમ તેની રાજધાની હોય. પશ્ચિમ કાંઠો નામાંકિત રીતે પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંચાલિત છે, પરંતુ ઇઝરાયલે ધીમે ધીમે ત્યાં યહૂદી વસાહતોનું નેટવર્ક સ્થાપિત કર્યું છે, જેમાં લગભગ 700,000 યહૂદીઓ રહે છે. આ વસાહતો ઇઝરાયલી નિયંત્રણ હેઠળ છે. ઇઝરાયેલે પોતાની વ્યુહાત્મક સલામતી માટે આવા વિસ્તારો પર સહેલાઇથી કબજો નહીં છોડે.