ઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોત
કેમિકલ ફેકટરીમાં આગ ફેલાતા દુર્ઘટના
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. અહીં એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 16 મજૂરોના કરુણ મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ કેમિકલ વેરહાઉસમાં લાગી હતી અને ત્યારબાદ તે નજીકની ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. આગની શરૂૂઆત શાહ આલમ કેમિકલ વેરહાઉસમાં થઈ હતી અને ત્યાર બાદ તે એનર ફેશન ગારમેન્ટ્સ ફેક્ટરી સુધી પહોંચી હતી.
ફાયર સર્વિસના પ્રવક્તા અનવરુલ ઇસ્લામે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર ગારમેન્ટ ફેક્ટરીમાંથી જ 16 મૃતદેહો મળી આવ્યા છે. ફેક્ટરીમાંથી આગ ઓલવી દેવામાં આવી છે, પરંતુ કેમિકલ વેરહાઉસમાં આગ હજુ પણ ચાલુ છે.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.