ઇઝરાયલ-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારા, વિશ્ર્વભરની વિમાની સેવા બંધ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે મધ્ય એશિયા યુદ્ધની અણી પર પહોંચી ગયું છે. વધતી જતી ગંભીર સ્થિતિને જોતા ઘણા દેશોની એરલાઈન્સે પોતાની એરલાઈન્સને સસ્પેન્ડ કરી દીધી છે. એર ઈન્ડિયાએ પણ તેલ અવીવ માટે તેની સેવા અસ્થાયી રૂૂપે બંધ કરી દીધી છે. શુક્રવારે એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેલ અવીવની સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે.
તેહરાનમાં હમાસના વડાની હત્યા બાદ ઈરાને ઈઝરાયલને યુદ્ધ માટે તૈયાર રહેવાની ખુલ્લો પડકાર ફેંક્યો છે. હિઝબુલ્લાહ અને હમાસ સાથે ઇઝરાયેલનું યુદ્ધ ચાલુ છે. પરિસ્થિતિને જોતા એર ફ્રાન્સે પેરિસ અને બેરૂૂત વચ્ચેની ફ્લાઈટ પણ 11 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. આ સિવાય ડેલ્ટા એરલાઈને પણ 31 ઓગસ્ટ સુધી ન્યૂયોર્કથી તેલ અવીવની હવાઈ સેવા બંધ કરી દીધી છે.
અલ્જેરિયાની એરલાઈને લેબનોન માટે ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એક જર્મન એરલાઈને પણ મધ્ય એશિયામાં તેલ અવીવ, તેહરાન અને બેરૂત જેવા અનેક સ્થળોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને ઈરાન-ઈરાક એરસ્પેસનો ઉપયોગ કરવા સામે સલાહ આપી છે. સિંગાપોર એરલાઈન્સે પણ પોતાના વિમાનોના રૂટ બદલી નાખ્યા છે જેથી તેમને ઈરાની એરસ્પેસનો ઉપયોગ ન કરવો પડે.
ઈરાને ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો છે કે હમાસ ચીફની તેના દેશમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનના સુપ્રીમ લીડર ખમેનીએ ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી પણ આપી છે. ઈરાનના સાથી રશિયાએ પણ તેની એરલાઈન્સને રાત્રે ઈઝરાયેલની એરસ્પેસનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. આ પ્રતિબંધ 9 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી લગાવવામાં આવ્યો છે.