સ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છે
એલન મસ્ક માટે હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેનું પોલિટિકલ હનીમૂન પૂરું થઈ જતાં એલન મસ્ક વ્હાઈટ હાઉસમાંથી ફેંકાઈ ગયા છે ત્યારે બીજી તરફ તેમની કંપનીઓનો દેખાવ પણ કથળી રહ્યો છે તેથી મસ્ક દબાણ હેઠળ છે. આ દબાણ સ્ટારશિપનું સફળ લોચિંગ કરીને હળવું કરાશે એવી મસ્કની ગણતરી હતી પણ સ્ટારશિપનું પરીક્ષણ નિષ્ફળ જતાં મસ્ક પર દબાણ વધ્યું છે. વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ મનાતા સ્ટારશિપને 28 મેના રોજ સવારે 5 વાગ્યે ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ લોન્ચ થયાની લગભગ 20 મિનિટ પછી સ્ટારશિપે નિયંત્રણ ગુમાવ્યું અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં જ નાશ પામ્યું તેથી સ્ટારશિપનું નવમું પરીક્ષણ નિષ્ફળ ગયું.
અત્યાર સુધીમાં કરાયેલાં 9 પરીક્ષણમાંથી 7 પરીક્ષણ નિષ્ફળ ગયાં છે જ્યારે બે સફળ રહ્યાં છે. સ્ટારશિપ બે ભાગમાં વહેંચાયેલું છે કે જેમાં ઉપલા ભાગમાં સ્પેસશિપ એટલે કે અવકાશયાન છે જ્યારે નીચલા ભાગનાં સુપર હેવી બૂસ્ટર છે. આ બંને પાર્ટને ’સ્ટારશિપ’ કહેવામાં આવે છે. આ સ્પેસ વ્હીકલની ઊંચાઈ 403 ફૂટ છે અને સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવું છે. સ્ટારશિપમાં બંને ભાગને સાથે છોડવામાં આવે છે પણ પૃથ્વીથી થોડાક ઉપર ગયા પછી સુપર બૂસ્ટર જોરદાર ધક્કો મારીને સ્પેસશિપને ધકેલે તેથી સ્પેસશિપ સીધું તેના નિર્ધારિત સ્થાન તરફ આગળ વધે છે જ્યારે બૂસ્ટર પૃથ્વી પર પાછું આવે છે. બૂસ્ટરનો ફરી ઉપયોગ કરીને નવા સ્પેસશિપને ફરી અવકાશમાં કે બીજા ગ્રહ કે ઉપગ્રહ પર મોકલી શકાય છે. સ્પેસશિપ અવકાશમાં જાય અને પછી પાછું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને નિર્વિઘ્ને ઉતરાણ કરે તો પરીક્ષણ સફળ કહેવાય.
સ્ટારશિપ પણ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી પણ ટકી શકે છે નહીં એ સૌથી મહત્ત્વનું છે તેથી અત્યારે તેનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. નવમા પરીક્ષણ વખતે બૂસ્ટરથી સ્પેસશિપ છૂટું થતાં જ સળગી ગયું તેથી પરીક્ષણ નિષ્ફળ ગયું. આ પરીક્ષણમાં બૂસ્ટર 7 અને શિપ 24 લોન્ચ કરવામાં આવ્યાં હતાં પણ ટેકઓફ થયાની માત્ર 4 મિનિટ પછી સ્ટારશિપમા વિસ્ફોટ થયો હતો. સ્ટારશિપ મેક્સિકોના અખાતથી 30 કિલોમીટર દૂર પહોંચ્યું હશે ત્યાં જ વિસ્ફોટ થતાં સ્પેસશિપના ટુકડા થઈ ગયા ને મિશન નિષ્ફળ ગયેલું. સ્ટારશિપની નિષ્ફળતા પછી પણ વિજ્ઞાનીઓ ખુશ હતા કેમ કે લોન્ચપેડ પરથી આટલું પાવરફુલ રોકેટ ઉડાન ભરી શકશે કે કેમ તેમાં જ સૌને શંકા હતી. રોકેટે ઉડાન ભરી તેથી બેઝિક્સ બરાબર છે એ સાબિત થયું એટલે બાકીની ખામીઓ તો પછી દૂર કરી લેવાશે એવું મસ્કની કંપનીના વિજ્ઞાનીઓને લાગતું હતું પણ કમનસીબે એવું થયું નથી. છેલ્લાં બે વર્ષમાં એ પછી હાથ ધરાયેલાં મિશનોમાં કોઈ ને કોઈ વિઘ્ન આવી જ જાય છે તેથી હજુ ટેસ્ટિંગ જ ચાલ્યા કરે છે.