For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં હિંસા વચ્ચે ચૂંટણી, મોબાઈલ-નેટ સેવા સ્થગિત

11:25 AM Feb 08, 2024 IST | Bhumika
પાકિસ્તાનમાં હિંસા વચ્ચે ચૂંટણી  મોબાઈલ નેટ સેવા સ્થગિત

ઈરાન-અફઘાનિસ્તાન બોર્ડર સીલ, 100 વિદેશી નિરીક્ષકોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા, 6.50 લાખ સુરક્ષા જવાનો તૈનાત, ખૈબરપખ્તુન્વામાં બૂથમાં સિક્યોરિટી ગાર્ડની હત્યા

Advertisement

પાકિસ્તાનમાં આજે હિંસા વચ્ચે સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને પાકિસ્તાનના ખૈબરપખ્તુન્વા પ્રાંતમાં ચૂંટણી બુથમાં સિક્યોરીટી ગાર્ડની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ 100 વિદેશી નિરીક્ષકો ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. 90600થી વધુ મતદાન મથકો પર મતદાન થશે. 12.8 કરોડથી વધુ મતદારો તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. આ ચૂંટણીમાં હિંસક હુમલાઓની આશંકાના પગલે 6.50 લાખ સુરક્ષાદળો તૈનાત કરવામા આવ્યા છે. અને સમગ્ર દેશમાં મોબાઈલ તથા ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે તેમજ ઈરાન અને અફઘાનિસ્તાન સાથેની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. આ વખતે મુખ્ય મુકાબલો નવાઝ શરીફની પીએમએલ-એન, બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને અન્ય પ્રાદેશિક પક્ષો વચ્ચે થશે. ઈમરાન ખાન સત્તામાંથી બહાર થયા ત્યારથી પાકિસ્તાન આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. જો કે ઈમરાન જેલમાં હોવાથી નવાઝ શરીફની પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 100થી વધુ વિદેશી નિરીક્ષકો અને વિદેશી પત્રકારો ચૂંટણી કવર કરવા માટે આવ્યા છે. બલૂચિસ્તાનના વિસ્તાર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ વખતે ચૂંટણીમાં 12.85 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 12,85,85,760 નોંધાયેલા મતદારો નેશનલ એસેમ્બલી સીટો માટે 5121 ઉમેદવારોને મત આપવા માટે પાત્ર છે. ચૂંટણી માટે 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કોઈપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાનની હોસ્પિટલોને 7 થી 9 ફેબ્રુઆરી સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

Advertisement

પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામોનું મતદાન 9મી ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ પછી તરત જ મત ગણતરી શરૂૂ થશે. પાકિસ્તાની ચૂંટણી અધિનિયમ 2017 મુજબ, જે દિવસે મતદાન થાય તે જ દિવસે બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાના હોય છે. જો કોઈ કારણોસર મતદાન અધિકારીઓ મતગણતરી કરવામાં વિલંબ કરે છે, તો તેની માહિતી ત્યાંના ચૂંટણી પંચને આપવામાં આવે છે. પાકિસ્તાનમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. આ વખતે સામાન્ય ચૂંટણી માટે કુલ 26 કરોડ બેલેટ પેપર છપાયા છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચના મતે સૌથી વધુ મતદાતા પંજાબ પ્રાંતમાં છે. અહીં કુલ 7 કરોડ 32 લાખ 7 હજાર 896 નોંધાયેલા મતદારો છે. આ પછી બીજા સ્થાને સિંધ પ્રાંત છે જ્યાં 2 કરોડ 69 લાખ 94 હજાર 769 મતદારો છે. ખૈબર પખ્તુનખ્વામાં 2 કરોડ 19 લાખ 28 હજાર 119 મતદારો, બલૂચિસ્તાનમાં 53 લાખ 71 હજાર 947 અને રાજધાની ઈસ્લામાબાદમાં 10 લાખ 83 હજાર 029 મતદારો છે. આ વખતે પાકિસ્તાનમાં કેટલાક વિસ્તારોમાં હિંસા થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મતદાનની ટકાવારી ઓછી રહેવાની ધારણા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement