થાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છે
થાઇલેન્ડમાં એક બાળકને તેના પરિવારના સદસ્યોએ તરછોડી દીધું હતું. ત્યારથી આ બાળક છ કૂતરાઓ સાથે જ રહીને મોટું થયું છે. તે સામાન્ય બાળકની જેમ બોલવાને બદલે કૂતરાની જેમ અલગ-અલગ રીતે ભસીને જ વાત કરે છે. એનું કારણ એ છે કે તે જન્મ્યું એ પછી બહુ ઓછા સમય માટે તેના પરિવારજનોએ તેને રાખ્યું છે.
કૂતરાઓની વચ્ચે તેમની ભાષામાં વાતચીત કરતો આ છોકરો એક સ્થાનિક સંસ્થાની મદદથી સ્કૂલમાં પણ જતો થયો હતો. જોકે સ્કૂલવાળાએ તેના વિચિત્ર વ્યવહાર માટે પોલીસમાં ફરિયાદ કરતાં બાળકો માટે કામ કરતી સંસ્થા તેના ઘરે પહોંચી હતી. ઘરમાં તપાસ કરતાં ખબર પડી કે તેની મા અને મોટો ભાઈ ડ્રગ્સના શિકાર છે અને આખો દિવસ નશામાં પડ્યા રહે છે. એને કારણે નાનું બાળક માત્ર કૂતરાઓની સાથે જ રહે છે. તેની માએ તો તેને મફત શિક્ષણ માટે પણ સ્કૂલમાં મોકલવાની ના પાડી દીધી હતી. બાળકને ભણાવવા માટે થાઇલેન્ડ સરકાર 400 બાથ પરિવારને આપે છે એ પણ તેની માએ ડ્રગ્સમાં ફૂંકી નાખ્યા હતા.