મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ
મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં આવ્યો છે. ભૂકંપના આંચકા થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સુધી અનુભવાયા હતા.
મ્યાનમારની સૈન્ય સરકારે ઓછામાં ઓછા 704 મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે 1,670 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ થાઈલેન્ડમાં 10 લોકોના મોત થયા છે. આમ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ સાથે દેશમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે બચાવ કાર્ય ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. તે જ સમયે, મ્યાનમારમાં ભૂકંપના આંચકા પડોશી દેશ થાઈલેન્ડમાં પણ અનુભવાયા હતા. પડોશી થાઈલેન્ડના બેંગકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા.
શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મ્યાનમાર અને થાઈલેન્ડમાં 200 વર્ષમાં આ સૌથી મોટો ભૂકંપ છે. ભારે તબાહીને કારણે મ્યાનમારના 6 રાજ્યો અને સમગ્ર થાઈલેન્ડમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે.