અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલ
કુનાર પ્રાંતમાં વહેલી સવારે 6.0ની તીવ્રતાથી ધરતી ધણધણી, જલાલાબાદ નજીક કેન્દ્રબિંદુ, 500થી વધુ ઘાયલ
20 મિનિટના અંતરે બે આંચકાથી માલ-મિલકતને પારાવાર નુકસાન, લાશોના ઢગલા ખડકાયા
ગુજરાત મિરર, કાબુલ તા.1
ગઇકાલે મોડી રાત્રે પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં તબાહી મચી ગઈ હતી, જેમાં 250થી વધુ લોકોના મૃત્ય થયા છે તો 500થી વધુ ઘાયલ થયા છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતના જલાલાબાદ નજીક હતું અને તેની ઊંડાઈ 8 કિલોમીટર હતી. તે રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો.
https://x.com/SaminaHMalik/status/1962369842784157893
દેશમાંથી આવતા પ્રારંભિક અહેવાલોમાં નવ લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, જ્યારે અનાદોલુ એજન્સીએ અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 500 ઘાયલ થયા છે, જેમાં કુનાર સૌથી વધુ પ્રભાવિત થયું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
અફઘાનિસ્તાનના ક્રિકેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે એકસ પર કહ્યું કે, તેઓ આ મૃત્યુથી ખૂબ જ દુ:ખી છે. અફઘાનિસ્તાનના કુનારમાં આવેલા ભયંકર ભૂકંપથી ખૂબ જ દુ:ખી છું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અલ્લાહ શહીદોને જન્નત આપે, ઘાયલોને સ્વસ્થતા આપે અને બધાને આપદા સહન કરવાની શક્તિ આપે.
https://x.com/ISullahMMD/status/1962285125984550978
અગાઉ, નંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લગભગ 20 મિનિટ પછી તે જ પ્રાંતમાં બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 4.5 અને ઊંડાઈ 10 કિલોમીટર હતી.
7 ઓક્ટોબર, 2023 ના રોજ અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ જોરદાર આફ્ટરશોક્સ આવ્યા. તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે, ઓછામાં ઓછા 4,000 લોકો માર્યા ગયા હતા. યુએનએ મૃત્યુઆંક લગભગ 1,500 જેટલો ઓછો આપ્યો હતો. તાજેતરની સ્મૃતિમાં અફઘાનિસ્તાનમાં ત્રાટકેલી આ સૌથી ઘાતક કુદરતી આફત હતી.