બોરિસ જોન્સનની બેદરકારીથી કોરોના બ્રિટનમાં 2300 લોકોને ભરખી ગયો
બ્રિટનમાં કોવિડ-19 મહામારી દરમિયાન સરકારની કામગીરી અંગે થયેલી તપાસનો રિપોર્ટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સનના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે જોન્સન સરકારના બિન-ગંભીર વલણ અને નિર્ણયો લેવામાં થયેલા વિલંબને કારણે આશરે 23,000 લોકોના જીવ બચાવી શકાયા હોત.
ઉલ્લેખનીય છે કે સમગ્ર બ્રિટનમાં કોવિડને કારણે કુલ 232,112 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમો બનાવવામાં વિલંબ અને સરકારની અસ્તવ્યસ્ત અને ઝેરી કાર્યશૈલીને કારણે સમસ્યા વધુ વકરી હતી. તપાસ સમિતિના પ્રમુખ, પૂર્વ ન્યાયાધીશ હીથર હેલેટે જણાવ્યું કે, બોરિસ જોન્સન 2020ની શરૂૂઆતમાં કોરોના વાયરસના ખતરાનું યોગ્ય આકલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જે સમયે મહામારીને પહોંચી વળવા માટે ઊર્જા લગાવવી જોઈતી હતી, તે સમયે સરકાર યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને અલગ કરવાની (બ્રેક્ઝિટ) પ્રક્રિયા જેવા અન્ય કાર્યોમાં વ્યસ્ત હતી.
રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો લોકડાઉન અંગે કરવામાં આવ્યો છે. જોન્સને 23 માર્ચ, 2020ના રોજ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તપાસમાં કહેવાયું છે કે જો સરકારે માત્ર એક અઠવાડિયા પહેલા, એટલે કે 16 માર્ચે લોકડાઉન લગાવી દીધું હોત, તો 23,000 લોકોના જીવ બચાવી શકાયા હોત.
તપાસમાં બોરિસ જોન્સનના પોતાના વર્તન પર પણ ટિપ્પણી કરવામાં આવી છે. કોવિડ પ્રતિબંધો દરમિયાન વડાપ્રધાનના આવાસ પર થયેલી પાર્ટીઓ અને ખુદ જોન્સન દ્વારા નિયમો તોડીને લંડનની બહાર જવા જેવી ઘટનાઓએ જનતામાં ખોટો સંદેશો મોકલ્યો હતો. વિડંબણા એ છે કે આ તપાસનો આદેશ ખુદ બોરિસ જોન્સને જ મે 2021માં આપ્યો હતો.