પિતાજીના સ્વપ્ન માટે અમેરિકાથી આહવાની સફર ખેડી ડો. નિરાલી પટેલે
વિદેશમાં વસી વતનની ચિંતા કરનાર ડો. અશોક પટેલે આહવામાં હોસ્પિટલ શરૂ કરતા પહેલાં જ કોરોનામાં વિદાય લીધી ત્યારે આ કામ પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું દીકરી ડો.નિરાલી પટેલે
આજથી દોઢ દાયકા પહેલાની વાત છે.અમેરિકાના બોસ્ટન શહેરમાં બનેલી આ સત્ય ઘટના કોઈ નવલકથા કે ફિલ્મની વાર્તાથી કમ નથી.એક ઇટાલિયન પેશન્ટ ભારતીય ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવે છે.તેને રાધાકૃષ્ણ પ્રિય એટલે આ વિષે બંને વાતો કરતા.અવારનવાર મળવાનું થતાં બંને વચ્ચે પિતા-પુત્ર જેવો સંબંધ થઈ ગયો.થોડા સમયના અંતરાલ બાદ એ પેશન્ટ બીમાર થયા, અંતિમ ક્ષણોમાં વકીલની હાજરીમાં તે પોતાના પુત્ર જેવા ડોક્ટરને બોલાવે છે અને પોતાની બધી જ પ્રોપર્ટી એ ડોક્ટરના નામે કરે છે.
ભારતીય પરિવાર અને સંસ્કાર વચ્ચે ઉછરેલા ડોક્ટરના પિતાજી જણાવે છે કે અન્યની સંપત્તિ આ રીતે લેવી યોગ્ય નથી. તે પેશન્ટના પરિવારજનોને શોધવાનો પ્રયત્ન કરે છે જેમાં લાંબા સમયથી છૂટા પડી ગયેલા પત્ની અને પુત્ર મળે છે પરંતુ તે લોકો પણ સંપત્તિ સ્વીકારવાનો ઇનકાર કરે છે અને અંતે ડોક્ટર આ સમગ્ર સંપત્તિ સદ્કાર્યમાં વાપરવાનો નિર્ણય કરે છે. તે પેશન્ટની અંતિમ ક્રિયા પણ ડોક્ટરે જ કરી અને અસ્થિ પધરાવવા ભારત આવે છે ત્યારે પોતાના વતન સુરત નજીક ડાંગ જિલ્લામાં સગવડતાનો અભાવ જુએ છે.
પૈસા તો હતા પરંતુ પરિશ્રમની આવશ્યકતા હતી.અમેરિકાથી સતત આવ-જા કરીને 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કાર્ય કર્યું,પરંતુ વિધાતાના ખેલની કોઈને ક્યાં ખબર પડે છે? આહવામાં હોસ્પિટલનું કામ પૂર્ણ થવામાં હતું ત્યાં જ કોરોનાના કઠિનકાળમાં ડોક્ટરે વિદાય લીધી અને તેમનું આ સ્વપ્ન પૂરું કરવાનું બીડું ઉઠાવ્યું તેમની નાની દીકરી ડો.નિરાલી પટેલે. અમેરિકામાં બેઠા બેઠા પણ વતનની ચિંતા કરનાર એ ડોકટર પિતા એટલે ડો.અશોક પટેલ.તેમની વિદાય બાદ અમેરિકાથી આહવાની ધરતી પર અનેક કઠિનાઈઓ વચ્ચે આજે ડો.નિરાલી પટેલ સફળતાપૂર્વક હોસ્પિટલની કામગીરી સંભાળે છે તે કાબિલેદાદ છે.
ડો.નિરાલી જણાવે છે કે, ‘24 ડિસેમ્બર 2020, કોવિડમાં પિતાજીએ વિદાય લીધી ત્યારે તેમના અંતિમ સમયમાં હું એક જ તેમની પાસે હતી એ મને ભગવાનનો સંકેત લાગ્યો અને એટલે જ તેમનું આ સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો. જે સ્ત્રીએ હજુ હમણાં જ પતિ ગુમાવ્યો હતો તે પોતાની દીકરીને પોતાનાથી દૂર જવા દેવા માગતી નહોતી પરંતુ માતા સરોજબેન પટેલને અમે બંને બહેનોએ લાગણીથી સંભાળ્યા.ત્રણ મહિનાના સમયની મહોલત લઈ હું ગુજરાત આવી અને મોટી બહેન ડો.નતાશાએ અમેરિકામાં પિતાનું ક્લિનિક સાંભળ્યું. આહવાની જમીન પર પગ મૂકતાં જ જાણે પિતાજીના સ્મરણો વધુ ઉત્કટતાથી અનુભવાયા અને ગમે તે થાય અહીં જ કામ કરવા મન મક્કમ કર્યું પરંતુ સ્વપ્નાઓથી જોજનો દૂર એવી હકીકતનો સામનો કરવાનું ખૂબ કઠિન હતું.’
સામાન્ય લોકો માટે બનાવાયેલ વનબંધુ આરોગ્યધામનું બાકી રહેલ કામ પૂરું કરવા ડો.નિરાલીને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. સૌપ્રથમ અહીંના લોકોની માનસિકતા સમજવામાં મુશ્કેલી પડી કારણકે કોઈ બીમાર પડે તો ડોક્ટર પાસે જવા કરતા ચર્ચના પાદરી પાસે કે પછી ભગવાનનું શરણ લેતા. બીજું સંસ્થા કે હોસ્પિટલ ચલાવવાનો અનુભવ નહોતો. બધા ડોક્યુમેન્ટસ પિતાજીના નામે હોવાથી તે પ્રક્રિયામાં પણ ઘણી તકલીફો આવી પરંતુ જાણે કોઈ અદૃશ્ય શક્તિ મદદ કરતી હોય તેમ ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું.
શરૂઆતમાં એક નર્સ અને એક લેબ ટેક્નિશિયન સાથે ક્લિનિકની શરૂૂઆત કરી જેથી લોકો સારવાર માટે આવી શકે, ત્યારબાદ ધીમે ધીમે અન્ય ડોક્ટર અને સંસ્થાઓ જોડાતા ગયા અને પેશન્ટ પણ આવવા લાગ્યા. જ્યાં પ્રાથમિક સારવારનો પણ અભાવ હતો ત્યાં હોસ્પિટલ સાથે ડોક્ટર નિરાલી આંખ, દાંત, સર્જિકલ એમ જુદા જદા કેમ્પ કર્યા. એક સમયે પિતાજી બિલકુલ ફ્રીમાં દવા આપતા ત્યારે લોકોને તેની કિંમત નહોતી અને દવા રસ્તા પર ફેંકી દેતા જેના કારણે હાલ તેઓ નોમીનલ ફી સાથે સારવાર કરે છે. જે લોકો બિલકુલ ખર્ચ કરી શકે તેમ ન હોય તેને નિ:શુલ્ક પણ સારવાર આપે છે. એક સમયે ત્રણ વ્યક્તિ સાથે શરૂૂ કરેલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ 30 લોકોનો સ્ટાફ છે. લોકોનો પ્રેમ પણ ખૂબ મળે છે. ઘણી વખત ફ્રીમાં દવા લઈ જતી વ્યક્તિ ફરી આવે ત્યારે નાની પોટલીમાં જુદા જુદા અનાજ લાવે છે ત્યારે નિરાલી ખરેખર લાગણીશીલ થઈ જાય છે અને એ સ્વીકારીને તેનું માન રાખે છે.
અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે દરરોજ નવા પડકાર આવે છે પરંતુ શરૂૂઆતનો સમય યાદ કરું ત્યારે અત્યારની મુશ્કેલી ખૂબ નાની લાગે છે. હોસ્પિટલને બધી સવલતોથી સજ્જ કરવા માટે એક્સ-રે, સોનોગ્રાફી મશીન સહિતના ખર્ચ માટે બહેન, પિતાજીના મિત્રો, તેમજ પરિવારજનો નિયમિત રીતે આર્થિક મદદ કરે છે. પિતાજીના સ્વપ્નને પૂર્ણ કરવા આહવાને પોતાનું બનાવનાર ડો. નિરાલી પટેલને આ સ્વપ્ન ક્યારે પોતાનું બની ગયું તે ખબર પણ ન પડી.ભવિષ્યમાં તેઓ આ હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ બનાવવા માગે છે અને ટીચિંગ ઇન્સ્ટિટયૂટ પણ શરૂ કરવા માગે છે. ડો. નિરાલી પટેલને તેમનું સ્વપ્ન સાકાર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા……
એક અજાણ્યા પેશન્ટે પોતાનું વસિયતનામું કોઈ સ્વાર્થ વગર ડોક્ટરના નામે કર્યું અને શરૂ થયો સેવા અને સત્કાર્યોનો આ યજ્ઞ
WRITTEN BY : BHAVNA DOSHI