ભારતીય ફાર્મા ઉદ્યોગ ઉપર 250 ટકા ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવ્યું છે, અને આ વખતે તેમણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારત સારો વેપાર ભાગીદાર નથી અને તે આગામી 24 કલાકમાં ટેરિફમાં વધારો કરશે. ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકામાં દવાઓનું ઉત્પાદન વધારવાના હેતુથી તેઓ ભવિષ્યમાં ભારતમાંથી આયાત થતી દવાઓ પર 150 થી 250 ટકા જેટલો ઊંચો ટેરિફ લાદી શકે છે.
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં દવાઓની ઊંચી કિંમતોને લઈને ફાર્મા ઉદ્યોગ પર દબાણ વધી રહ્યું છે. જોકે, ભારતે અને રશિયાએ ટ્રમ્પના આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે.
અમેરિકન ન્યૂઝ ચેનલ CNBC ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, શરૂૂઆતમાં અમે દવાઓ પર થોડો ટેરિફ લાદીશું, પરંતુ એક કે દોઢ વર્ષ પછી અમે તેને વધારીને 150 કે 250 ટકા કરીશું. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે દવાઓનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થાય, જેથી અમેરિકામાં દવાઓની કિંમતો ઘટાડી શકાય. તેમણે તાજેતરમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કિંમતો ઘટાડવા માટે દબાણ કર્યું છે અને જો તેમ નહીં થાય તો કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદીને નફા માટે વેચવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભારત રશિયા-યુક્રેન યુદ્ધથી પ્રભાવિત લોકોની પરવા કરતું નથી. ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા અને ભારતના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ ધમકીઓ વચ્ચે રશિયાએ ભારતનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, દરેક સાર્વભૌમ દેશને તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને વેપાર ભાગીદારો પસંદ કરવાનો અધિકાર છે.