ભારત સહિતના બ્રિક્સ દેશો પર વધારાની 10 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકા વિરોધી નીતિઓ સાથે ચાલનારા કોઇપણ દેશને બક્ષવામાં નહીં આવે: 9 જુલાઇની ડેડલાઇન 1 ઓગસ્ટ સુધી લંબાવી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ટેરિફ લાદવા અંગે ધમકીભર્યા વલણનો આશરો લીધો છે. ટ્રમ્પે તેમના ટ્રુથ એકાઉન્ટ પર એક નવી પોસ્ટ કરી છે. આમાં તેમણે લખ્યું છે કે બ્રિક્સ સાથે જોડાયેલા દેશો પર 10 ટકા વધારાની ટેરિફ લાદવામાં આવશે. ભારત પણ બ્રિક્સનો એક ભાગ છે. તાજેતરમાં, પીએમ મોદી બ્રિક્સ કોન્ફરન્સમાં ભાગ લેવા બ્રાઝિલ ગયા હતા. ટ્રમ્પે લખ્યું છે કે બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ સાથે ચાલનારા કોઈપણ દેશ સામે 10 ટકા વધારાની ટેરિફ લાદવામાં આવશે. તેમણે આગળ લખ્યું છે કે આ નીતિમાં કોઈ છૂટ રહેશે નહીં. ટ્રમ્પે અંતે લખ્યું છે કે આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.
અન્ય એક ઘટનાક્રમમાં પ્રમુખે દેશ વિશિષ્ટ ટેરિફ સત્તાવાર રીતે 1 ઓગસ્ટથી અમલમાં આવશે તેવી જાહેરાત કરી હતી. અગાઉ આ સમય મર્યાદા 9 જુલાઇએ પુરી થતી હતી. આ કારણે અમેરિકાના વેપાર ભાગીદારોને થોડી રાહત મળશે. વાણિજય સચિવ હોવર્ડ લુટનિકે સુધારેલી સમય મર્યાદાની પુષ્ટિ કરતા કહ્યું કે આ કારણે તે દેશોને યુએસ સાથે વાટાઘાટો કરવાની અંતિમ તક મળી રહેશે.
નોંધનીય છે કે 2 એપ્રિલે અમેરિકાએ ભારતીય માલ પર 26 ટકા વધારાની પ્રતિક્રિયાત્મક ડ્યુટી લાદી હતી, પરંતુ તેને 90 દિવસ માટે મુલતવી રાખી હતી. જો કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10 ટકા મૂળભૂત ડ્યુટી હજુ પણ અમલમાં છે. ભારત આ 26 ટકા ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે. જો પ્રસ્તાવિત વેપાર વાટાઘાટો નિષ્ફળ જાય, તો 26 ટકા ટેરિફ ફરીથી લાદવામાં આવશે. ગયા અઠવાડિયે, ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરીને વોશિંગ્ટનથી પરત ફર્યું હતું. સ્ટીલ, એલ્યુમિનિયમ (50 ટકા) અને વાહનો (25 ટકા) પરના ટેરિફ અંગે પણ બંને દેશો વચ્ચે મતભેદ છે.
ભારત-અમેરિકા વચ્ચે મિનિ ટ્રેડ ડીલની સંભાવના: ડેરી-કૃષિ ક્ષેત્રને બાકાત રખાશે
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ મર્યાદિત વેપાર કરારને અંતિમ સ્વરૂૂપ આપવાની નજીક છે, અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ડેરી અને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને વર્તમાન વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવે તેવી અપેક્ષા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના 90-દિવસના પારસ્પરિક ટેરિફ સસ્પેન્શન 9 જુલાઈના રોજ પૂર્ણ થાય તે પહેલાં બંને દેશો વચ્ચે મીની ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂૂપ આપવા માટે તીવ્ર ચર્ચા ચાલી રહી છે. જો કે હવે આ સમય મર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવવા અમેરિકાએ જાહેરાત કરી છે. ભારત સરકાર 26% ટેરિફને સંપૂર્ણ રીતે પાછો ખેંચવાની માંગ કરે છે, જ્યારે અમેરિકા કૃષિ અને ડેરી ક્ષેત્રો સહિત ઉદ્યોગોમાં વ્યાપક બજાર પ્રવેશની માંગ કરે છે, સાથે જ ભારતમાં આનુવંશિક રીતે સુધારેલા પાકોની નિકાસ કરવાની પરવાનગી પણ માંગે છે.