રશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફ
જો તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલના રાષ્ટ્રવડા હોવ તો સાવચેત થઇ જાવ, શાંતિ મંત્રણા માટે પુતિનને ફોન કરો: ગૌણ પ્રતિબંધો લાદવા માર્ક રૂટની લુખ્ખી ધમકી
નાટોના વડા માર્ક રૂટે ભારત, બ્રાઝિલ તથા ચીનને રશિયા સાથે વેપાર કરવો મોંઘો પડશે તેવી લુખ્ખી ધમકી આપી છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટેએ યુએસ સંસદમાં સાંસદો સાથેની બેઠક દરમિયાન આ વાતો કહી હતી. તેમણે ભારત, બ્રાઝિલ અને ચીનને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શાંતિ વાટાઘાટો પર ગંભીરતાથી વિચાર કરવા માટે મનાવવા પણ અપીલ કરી છે.
https://x.com/GudadzeLevan/status/1945162051518632074
રશિયા સાથે વેપાર સંબંધો જાળવવાની સ્થિતિમાં આ ચેતવણી આપવામાં આવી છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટેએ યુએસ સંસદમાં સાંસદો સાથેની બેઠક દરમિયાન આ વાતો કહી હતી. તેમણે કહ્યું, હું ભારત, ચીન અને બ્રાઝિલના નેતાઓને આ મુદ્દાને ગંભીરતાથી લેવા વિનંતી કરું છું કારણ કે આ કટોકટી તમારા દેશ માટે ખૂબ મોંઘી પડી શકે છે. રુટે ચેતવણી આપી હતી કે જો રશિયા યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો માટે તૈયાર નહીં હોય, તો આ દેશો પર ગૌણ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. તેમણે કહ્યું, કૃપા કરીને પુતિનને ફોન કરો અને તેમને કહો કે હવે શાંતિ મંત્રણાને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. નહીંતર, બ્રાઝિલ, ભારત અને ચીનને ભારે નુકસાન સહન કરવું પડશે.
ભારત, ચીન અને બ્રાઝિલે રશિયા-યુક્રેન યુદ્ધ પર તટસ્થ નીતિ અપનાવી છે. આ દેશોએ યુક્રેન યુદ્ધમાં સ્પષ્ટ પક્ષ લીધો નથી અને નિષ્પક્ષ વલણ અપનાવ્યું છે. આ ઉપરાંત, આ ત્રણેય દેશો રશિયા સાથે ઊર્જા અને વેપાર સંબંધો ચાલુ રાખે છે. નાટોના આ નિવેદનને રશિયા પર દબાણ લાવવાના હથિયાર તરીકે જોઈ શકાય છે.
ટ્રમ્પે ગયા અઠવાડિયે રશિયા પર ભારે પ્રતિબંધો લાદવાની ધમકી આપી હતી જો તે યુક્રેનમાં લડાઈ સમાપ્ત કરવા માટે કરાર પર પહોંચવામાં નિષ્ફળ જાય. આ પછી, યુએસ પ્રમુખે સોમવારે કહ્યું હતું કે મોસ્કોને કરાર પર પહોંચવા માટે 50 દિવસનો સમય આપવામાં આવશે, જેના પછી તેને ખૂબ જ ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પની ગુલાંટ: મોસ્કો પર હુમલો કરવા ઝેલેન્સકીને ના પાડી દીધી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોથી કિનારો કરી લીધો હતો જેમાં એવા દાવો કરાયો હતો કે તેમણે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ. ટ્રમ્પની આ ટિપ્પણી રશિયા સામે કડક વલણ જાહેર કર્યાના એક દિવસ પછી આવી છે, જેમાં યુક્રેન માટે સૈન્ય સહાયનો નવો જથ્થો પણ સામેલ છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લોનમાં પત્રકારોને કહ્યું, હું કોઈના પક્ષમાં નથી. હું માનવતાના પક્ષમાં છું, કારણ કે હું યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે થતા મૃત્યુને રોકવા માંગુ છું. એક અહેવાલમાં જણાવાયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકી સાથેની ખાનગી વાતચીતમાં પૂછ્યું હતું કે શું યુક્રેનને લાંબા અંતરના અમેરિકન શસ્ત્રો આપવામાં આવે તો તે મોસ્કો પર હુમલો કરી શકે છે? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનથી નિરાશ છું. ટ્રમ્પે કહ્યું કે મેં તાજેતરમાં ઘણા સંઘર્ષોને સમાપ્ત કરવામાં મદદ કરી છે, પરંતુ રશિયા અને યુક્રેનનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષને ટ્રમ્પે બાઇડેન યુદ્ધ ગણાવ્યું અને ભારપૂર્વક કહ્યું કે મારો ધ્યેય અમેરિકાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો માર્ગ શોધવાનો છે.