લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોત
21 લોકો લાપતા, 600થી વધુ ઘરોને નુકસાન: ટ્રેનો-રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર
બંગાળની ખાડીમાં ઉદભવેલા દિત્વાહ નામના ચક્રવાતે શ્રીલંકામાં કહેર મચાવ્યો છે. દેશભરમાં પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 56 થયો છે જ્યારે 600 થી વધુ ઘરોને નુકસાન થયું છે, અધિકારીઓએ જણાવ્યું હતું. 21 લોકો લાપતા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. શ્રીલંકામાં ગુરુવારે ભારે વરસાદથી ઘરો, ખેતરો અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને દેશભરમાં ભૂસ્ખલન થયું હતું.
રાજધાની કોલંબોથી લગભગ 300 કિલોમીટર (186 માઇલ) પૂર્વમાં આવેલા બદુલ્લા અને નુવારા એલિયાના મધ્ય પર્વતીય ચા ઉગાડતા પ્રદેશોમાં ભૂસ્ખલનમાં 25 થી વધુ લોકો માર્યા ગયા હતા. સરકારના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અનુસાર, બદુલ્લા અને નુવારા એલિયા વિસ્તારોમાં 21 લોકો ગુમ થયા છે અને 14 ઘાયલ થયા છે. દેશના વિવિધ ભાગોમાં ભૂસ્ખલનમાં અન્ય લોકો મૃત્યુ પામ્યા છે.
ભારે વરસાદને કારણે, મોટાભાગના જળાશયો અને નદીઓ છલકાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર ખડકો, કાદવ અને વૃક્ષો પડી ગયા બાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બાદ, અધિકારીઓએ દેશના ઘણા ભાગોમાં પેસેન્જર ટ્રેનો બંધ કરી દીધી હતી અને રસ્તાઓ બંધ કરી દીધા હતા.
સ્થાનિક ટેલિવિઝન પર ગુરુવારે પૂરમાં ઘેરાયેલા ઘરની છત પર ફસાયેલા ત્રણ લોકોને બચાવતા વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે નૌકાદળ અને પોલીસે રહેવાસીઓને પરિવહન કરવા માટે બોટનો ઉપયોગ કર્યો હતો. ગુરુવારે ફૂટેજમાં પૂર્વીય શહેર અંપારા નજીક પૂરના પાણીમાં એક કાર તણાઈ ગઈ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા.
દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શ્રીલંકામાં તબાહી મચાવ્યા પછી બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન દિત્વાહ હવે દક્ષિણ ભારતને ધમરોળે તેવી શકયતા છે. ચક્રવાતી વાવાઝોડાની સૌથી વધુ અસર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બર સુધી તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 28 અને 29 નવેમ્બરના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ સંભાવના છે. 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમા ક્ષેત્રમાં પણ સતત વરસાદની સંભાવના છે. કેરળમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણામાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર દરમિયાન વરસાદની અસર જોવા મળશે. દક્ષિણ કર્ણાટકમાં 29 થી 30 નવેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. ચક્રવાત દિત્વાહ શ્રીલંકાના પોટ્ટુવિલ નજીક રચાયો હોવાનું જાણવા મળે છે, જે બટિકલોઆ પ્રદેશથી લગભગ 90 કિલોમીટર દૂર અને ચેન્નાઈથી આશરે 700 કિલોમીટર દક્ષિણપૂર્વમાં છે. ચક્રવાત ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે અને 30 નવેમ્બરની શરૂૂઆતમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે.