પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા
પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે
પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે. આદિલના મતે, પાકિસ્તાનના બની બેઠેલા ફિલ્ડ માર્શલ આસીમ મુનીર સાથે બે ISI અધિકારીઓની પહેલગામ આતંકવાદી હુમલામાં સીધી ભૂમિકા હતી. ISI પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે, જે વારંવાર ભારતમાં આતંકવાદની ઘટનાઓને અંજામ આપે છે. ખુદ પાકિસ્તાન સરકારે પણ, આદિલ રાજાના આવા હળહળતા આરોપનો હજુ સુધી કોઈ જ જવાબ આપ્યો નથી.
આદિલ રાજા પાકિસ્તાનનો ઈન્વેસ્ટીગેશન ક્ષેત્રનો જાણીતો રિપોર્ટર છે. તેને જેલમાં બંધ ઇમરાન ખાનની નજીકનો સંબંધ ધરાવતો હોવાનું માનવામાં આવે છે. આદિલ રાજા સોલ્જર્સ સ્પીક દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે અને હાલમાં તે લંડનમાં રહે છે.
આદિલ રાજાના જણાવ્યા મુજબ, પહેલગામમાં હુમલો કરવાની જવાબદારી લશ્કર-એ-તૈયબાને સોંપવામાં આવી હતી. મોહમ્મદ હારૂૂન મુર્તઝા અને અહેમદ આરિફિન લશ્કરને બધી સુવિધાઓ પૂરી પાડવા માટે અધિકૃત હતા.
આરિફીન હાલમાં પાકિસ્તાની સેનામાં ડ્રોન આધારિત કામકાજ જુએ છે. મુર્તઝા એક ઉચ્ચ પદ ધરાવે છે અને અગાઉ તે ભારતમાં પણ પાકિસ્તાનના રાજદૂતાવાસમાં સેવા આપી ચૂક્યો છે. બંને અધિકારીઓ પર આતંકવાદીઓને પૈસા અને ધાતક શસ્ત્રો પૂરા પાડવાનો આરોપ છે.
એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી હાશિમ મુસા પાકિસ્તાની સેના સાથે સંકળાયેલો હતો. મુસાએ બે અન્ય આતંકવાદીઓ સાથે મળીને પહેલગામની બૈસરન ખીણમાં 26 નિર્દોષ હિન્દુઓની હત્યા કરી હતી.
મુસાએ પીઓકેમાં હુમલાની યોજના બનાવી હતી. આ હુમલા પછી, ભારતના પંજાબ અને ઉત્તર પ્રદેશમાંથી ઘણા ISI એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.