ટ્રમ્પ સહિત અનેક દેશોના નેતાઓને મોતની ધમકી
ગાઝામાં થતી હિંસાનો બદલો લેવા અલકાયદાની સૌથી ખતરનાક શાખાએ લિસ્ટ જાહેર કર્યું
યુએસના અનેક નેતાઓ ઉપરાંત ઇજિપ્ત, જોર્ડન, આરબ દેશોના નેતાઓના પણ નામ
વિશ્ર્વમાં માથુ ઉંચકી રહેલા અલકાયદા ઇન અરેબિયન પેનિનસુલાએ એક વીડીયો જાહેર કરી અમેરિકાના પ્રમુખ સહીતના નેતાઓ ઉપરાંત ઇજીપ્ત, જોડરન અને ખાડીના આરબ દેશોના નેતાઓને મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. આતંકી સંગઠને ગાઝામાં ચાલી રહેલા યુધ્ધનો બદલો લેવાની પણ અપીલ કરી છે અને આ માટે અનેક દેશોના ટોચના નેતાઓનું હિટલિસ્ટ પણ જારી કર્યું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલ કાયદા ઇન અરેબિયન પેનિનસુલા (AQAP)એ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પરંતુ અમેરિકા દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ નિવેદન સામે આવ્યું નથી. જો કે, એક્યુએપી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત અન્ય લોકોના નામ પણ છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આ ધમકીનું કારણ ગાઝામાં થઈ રહેલી હિંસા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, અલ કાયદાની યમન શાખાએ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કને મારી નાખવાની ધમકી આપી છે. માર્ચ 2024માં એક્યુએપીની કમાન સંભાળનારા સાદ બિન અતાફ અલ અવ્લાકી દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે.
લગભગ અડધા કલાક લાંબા આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક ઉપરાંત ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથના ચહેરા દેખાય છે.
આ ઉપરાંત, ઇજિપ્ત, જોર્ડન અને ખાડીના આરબ દેશોના નેતાઓને મારી નાખવાની અપીલ છે. આ ઉપરાંત AQAPના વાડાએ અમેરિકામાં રહેતા લોકોને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બદલો લેવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, એક્યુએપીને અલ કાયદાની સૌથી ખતરનાક શાખા માનવામાં આવે છે. અમેરિકાએ અલ અવ્લાકી પર 60 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.