દિતવાહ વાવાઝોડાએ કહેર મચાવ્યો!! 300 ભારતીય મુસાફરો 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત દિતવાહે કહેર મચાવ્યો છે. આ વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયાના અહેવાલ છે. વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચેની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ રદ થવાને લીધે લગભગ 300 ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી કોલંબોના બંદારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયેલા છે. આ ફસાયેલા મુસાફરોમાં આશરે 150 લોકો તમિલનાડુના છે, જેઓ દુબઈથી શ્રીલંકા થઈને ભારત આવી રહ્યા હતા.
દુબઈથી ચેન્નાઈ થઈને શ્રીલંકા જતી ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા છે.એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોએ ગંભીર આરોપો લગાવ્યા છે કે ખરાબ હવામાન અને ઓપરેશનમાં અવરોધના કારણે તેમને ખોરાક, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલું ભરતા જાહેર વિભાગના સચિવને કોલંબોમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવા અને ફસાયેલા તમિલ મુસાફરોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે.
ભારતે ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત શ્રીલંકાને મદદ કરવા માટે "ઓપરેશન સાગર બંધુ" શરૂ કર્યું છે. શનિવારે, ભારતીય વાયુસેનાનું C-130J વિમાન આશરે 12 ટન રાહત સામગ્રી લઈને કોલંબો પહોંચ્યું. અગાઉ, ભારતીય નૌકાદળના જહાજો વિક્રાંત અને ઉદયગીરીએ 4.5 ટન સૂકો રાશન, 2 ટન તાજો રાશન અને આવશ્યક સામગ્રી પહોંચાડી.
હવામાન વિભાગે ભારે પવન અને વરસાદની ચેતવણી આપી છે
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત દિતવાહ હાલમાં શ્રીલંકા અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર છે. ધીમે ધીમે તીવ્ર બનતા, તે 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. વાવાઝોડું કરાઈકલથી 190 કિમી, પુડુચેરીથી 300 કિમી અને ચેન્નાઈથી 400 કિમી દૂર છે. દરમિયાન, તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારે વરસાદ, ભારે પવન અને પાણી ભરાવાની સંભાવના છે. હવામાન વિભાગે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.