અમેરિકામાં કોરોનાનો કહેર, એક અઠવાડીયામાં 1500થી વધુ મોત
અમેરિકામાં કોરોનાએ એવી તારાજી સર્જી છે કે જોતજોતાંમાં મૃતદેહોનો ખડકલો થવા લાગ્યો છે. લોકોમાં ભય ફેલાયો છે. રિપોર્ટ અનુસાર અમેરિકામાં માત્ર એક જ અઠવાડિયામાં 1,500 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં મંકીપોક્સનું જોખમ ઊભું થયું છે ત્યારે અમેરિકામાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. અમેરિકામાં બીએનઓ ન્યૂઝે ડેટા એકઠો કર્યો છે. ડેટા અનુસાર, કોરોનાના કારણે માત્ર એક જ અઠવાડિયામાં અમેરિકામાં 1,555 લોકોનાં મૃત્યુ થયાં છે અને આટલાં બધાં મૃત્યુના આ આંકડા બીજી સપ્ટેમ્બરથી આઠમી સપ્ટેમ્બર વચ્ચેના છે. આ દરમિયાન અમેરિકામાં ઓછામાં ઓછા 1,65,705 કેસ જોવા મળ્યા છે.
એક અઠવાડિયા પહેલાં કેસની સંખ્યા 1,77,773 હતા. આ આંકડા રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી મેળવાયા હતા.અમેરિકન સીડીસીનું માનીએ તો અમેરિકામાં કોવિડ-19ની લહેર અત્યારે પણ હાઈ છે. જોકે, ઘણા વિસ્તારોમાં કેસની સંખ્યા ઘટી છે. લોકો સતત કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. ઇમર્જન્સી વોર્ડમાં આવનારા દર્દીઓની સંખ્યા અને કોરોના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં દાખલ થવાની ટકાવારી ઊંચી છે. કોરોનાથી મોટા ભાગે 65 પ્લસ અને બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો વધારે પ્રભાવિત થઈ રહ્યાં છે.
કોરોનાથી મૃત્યુના આંકડા પ્રાપ્ત આંકડા કરતાં વધારે હોઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોના વાઇરસના વાસ્તવિક કેસની સંખ્યા વધારે છે, કેમ કે, ઘણી હોસ્પિટલ અને રાજ્ય હવે કોવિડ ડેટા પ્રસિદ્ધ નથી કરતાં અને તે સત્તાવાર આંકડામાં સામેલ નથી.