ઇતિહાસ ગવાહ છે, અમેરિકા ભારતનો શક્તિશાળી દેશ તરીકે ઉદય જોવા માગતું નથી
ભારત સામે 50 ટકા ટેરિફ નાખી ટ્રમ્પે અકડતા દાખવી છે, પણ આ પહેલીવાર નથી જયારે અમેરિકાએ ભારતની પ્રગતિયાત્રાને રોકવા પ્રયાસ કર્યો ન હોય. વર્ષ 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણો પછી અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની કોઈ અસર ન થઈ રહી હોવાનું જોયા પછી અને ચીન અને ઇસ્લામિક કટ્ટરવાદના ઉદયથી ચિંતિત થયા પછી અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને નિર્ણય લીધો કે ભારતને દૂર રાખીને એશિયાના ભૂરાજનીતિ ચલાવવી શક્ય નથી. જોકે, તે સમયે બંને દેશો વચ્ચેના સંબંધો એટલા કડવાશભર્યા થઈ ગયા હતા કે તાત્કાલિક બધું સામાન્ય કરવું શક્ય નહોતું. તેથી એશિયાની આગામી સદીને આકાર આપવા માટે ભારત અને અમેરિકા કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે તેની ચર્ચા કરવા માટે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સ્ટ્રોબ ટાલબોટ અને ભારતના વિદેશ મંત્રી જસવંત સિંહ વચ્ચે વિશ્વભરમાં વિવિધ સ્થળોએ ગુપ્ત વાટાઘાટોના 11 રાઉન્ડ યોજાયા. આ વાટાઘાટોથી અમેરિકામાં એક સર્વસંમતિ બની કે એશિયા અને સમગ્ર વિશ્વની સુરક્ષા અને સ્થિરતા માટે ભારતનો વ્યૂહાત્મક ઉદય જરૂૂરી છે.
આ કંઈક અંશે 1970ના દાયકામાં નિક્સન અને કિસિંજરના નિર્ણય જેવું જ હતું કે અમેરિકા સોવિયેત યુનિયનને નબળું પાડવા માટે ચીનનો ઉદય સુનિશ્ચિત કરશે. ટાલ્બોટ-જસવંત વાટાઘાટોના પરિણામે ભારત પરના યુએસ પ્રતિબંધો હટાવવામાં આવ્યા અને કારગિલ યુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ ક્લિન્ટનનો ભારત તરફનો ઝુકાવ વધ્યો. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેએ ભારતના ઉદયને સુનિશ્ચિત કરવાની આ નીતિને ટેકો આપ્યો. ભારતીય બાબતો પર વોશિંગ્ટનમાં એક મોટો અવાજ ગણાતા એશ્ર્લે ટેલિસે 2023માં એક લેખમાં લખ્યું હતું કે અમેરિકાએ ભારત પર ખોટો દાવ લગાવ્યો છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં અમેરિકા ભારતની તટસ્થતા સહન કરી શકતું નથી. ટેલિસ વોશિંગ્ટનમાં ભારત પ્રત્યે વધતા રોષને પ્રતિબિંબિત કરી રહ્યા હતા. આ તે સમય હતો જ્યારે યુક્રેન યુદ્ધ અટકી ગયું હતું. અમેરિકા રશિયા સાથે સીધો મુકાબલો કરવા માંગતું ન હતું. વોશિંગ્ટનમાં હવે એવી વિચારસરણી છે કે ભારતના મહાસત્તા તરીકે ઉદયને ટેકો આપવાનો કોઈ ફાયદો નથી કારણ કે તે અમેરિકાના ઇશારા પર નાચવાનું નથી.
અમેરિકાને લાગે છે કે જ્યારે તેને ચીન સાથે વ્યવહાર કરવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે ભારતનો વ્યૂહાત્મક રીતે સ્વાયત્ત મહાસત્તા તરીકે ઉદય ભવિષ્યમાં તેના વૈશ્વિક પ્રભુત્વ માટે પડકાર વધારવામાં જ મદદ કરશે. અમેરિકા ભારતને આગામી ચીન બનતું જોવા માંગશે નહીં.