અમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ
પ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષર ધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે. આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન સન 2021માં કેટલાક ભારતીય કારીગરોએ અમેરિકી નાગરિકતા અને વિપુલ ધન મેળવવાની લાલચમાં મંદિરના તંત્ર પર મિનિમમ વેજિસ, જાતિવાદ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવાં ગંભીર આરોપો લગાવ્યા હતા.
તેના કારણે, આ આરોપો બાબતે અમેરિકી ન્યાયતંત્ર દ્વારા ફોજદારી જાંચ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહી હતી. ચાર વર્ષની ગહન પ્રક્રિયા બાદ ગઈકાલે અમેરિકી ન્યાયતંત્ર દ્વારા આ તમામ આરોપો ફગાવી દઈને બીએપી એસ સ્વામિનારાયણ સંસ્થાને આ તમામ આરોપોથી મુક્ત જણાવી છે. અમેરિકા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ સરકારના આ ન્યાયપૂર્ણ નિર્ણયને આવકારીને આવા કઠિન સંજોગોમાં સહયોગ આપનાર અનેક હિન્દુ સંસ્થાઓ સહિત સૌનો વેબસાઈટ પર હાર્દિક આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આરોપો લગાવીને મંદિર-નિર્માણ છોડીને નીકળી ગયેલા એ 110 કારીગરોને બદલે, આ અક્ષરધામ મહામંદિરનું નિર્માણ બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 12,500 સમર્પિત નિસ્વાર્થ સ્વયંસેવકોએ માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ કરી દીધું ને ભારતીય સંસ્કૃતિનું એક અનોખું નજરાણું પશ્ચિમ વિશ્વને ધરીને સંસ્કૃતિ તથા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
બીએપીએસ સંસ્થા સામે મુકાયેલા મિથ્યા આરોપોને પડતાં મૂકવાનો અમેરિકી ન્યાયતંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય, બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થાના શાંતિપૂર્ણ સેવા અને નિસ્વાર્થ સમર્પણના લક્ષને વધુ ઉજાગર કરે છે. સત્યમેવ જયતેના શાશ્વત મંત્રમાં વિશ્વાસ ધરાવતી બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા અને તેના લાખો હરિભક્તોએ ધૈર્યપૂર્વક આ સમયને પસાર કરીને વધુ પ્રતિબદ્ધતા સાથે રચનાત્મક સેવાકાર્યો કર્યાં છે.