ચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશે
કેટલાંક ચાઈનિઝ મુવી સ્ટુડિયોએ એક નવો પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે, જેમાં તેઓ ચાઇનિઝ માર્શલ આર્ટ્સ અને કુંગ ફુની 100 જેટલી ક્લાસિક ફિલ્મોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફરી બનાવી રહ્યા છે. શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેઓ બ્રુસ લી, જેકી ચાન અને જેટ લીની ફિલ્મોને ડિજીટલી રીસ્ટોર કરશે.
આ પ્રોજેક્ટને કુંગ ફુ મુવી હેરિટેજ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે, જેમાં 100 ક્લાસિક ફિલ્મને પુનર્જિવીત કરાશે, તેમાં ફર્સ્ટ ઓફ ફ્યુરી(1972), ડ્રંકન માસ્ટર(1978), વન્સ અપઓન ટાઇમ ઇન ચાઇના(1991) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો હેતુ આ ફિલ્મના દૃશ્યો, અવાજ અને તેની ગુણવત્તા સુધારીને તેનાં મૂળ પાત્રો કે વાર્તાઓમાં ફેરફાર કર્યા વિના નવા ઓડિયન્સ સમક્ષ મુકવાનો છે.
આ પ્રોજેક્ટની સૌથી લોકપ્રિય ફિલ્મ જોન વીની બ્લોકબસ્ટર ફિલ્મ અ બેટર ટુમોરો 1986 છે, જે ફરી આખી એનિમેશન ફિલ્મ તરીકે તૈયાર થઈ રહી છે. તેમાં મૂળ લીડ રોલ ચો યુન ફેટ દ્વારા કરવામાં આવ્યો હતો, તેને સાઇબરપંક સેટિંગથી રીબૂટ કરાશે. તેના મેકર્સનો દાવો છે કે આ દુનિયાની પહેલી સંપુર્ણપણે એઆઈ જનરેટેડ એનિમેટેડ ફીચર ફિલ્મ હશે. આ 100 મિલિયન યુઆનના બજેટ સાથે શરૂૂ થયેલો પ્રોજેક્ટ છે.