ભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણ
પાક. દ્વારા ચલાવવામાં આવતી પ્રોકસી વોર બીજો મોટો પડકાર
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન વિશે મોટું નિવેદન આપ્યું છે. જનરલ અનિલ ચૌહાણે ગઇકાલે કહ્યું કે, ચીન ભારત માટે સૌથી મોટો પડકાર છે. ચીન સાથેનો આ પડકાર ભવિષ્યમાં પણ રહેશે. તેમણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક કાર્યક્રમમાં બોલતા આ વાત કહી છે.
CDS એ પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા પ્રોક્સી વોરને ભારત માટે બીજો મોટો પડકાર બતાવ્યો અને કહ્યું કે, કોઈપણ દેશ સામે પડકારો ક્ષણિક નથી હોતા, પરંતુ વિવિધ સ્વરૂૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, મારું માનવું છે કે ચીન સાથે સીમા વિવાદ ભારત માટે સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે. બીજો મોટો પડકાર ભારત સામે પાકિસ્તાનનું પ્રોક્સી યુદ્ધ છે, જેમાં પભારતને હજાર ઘા આપીને લોહીલુહાણ કરવાની રણનીતિ અપનાવવામાં આવી છે.
જનરલ ચૌહાણે પ્રાદેશિક અસ્થિરતાને ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે, ભારતના બધા પડોશી દેશો સામાજિક, રાજકીય અથવા આર્થિક અશાંતિનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બીજો પડકાર એ છે કે યુદ્ધના ક્ષેત્રો બદલાઈ ગયા છે - હવે તેમાં સાયબર અને અંતરિક્ષનો પણ સમાવેશ થાય છે.
CDS એ કહ્યું કે, આપણા બન્ને હરીફો (પાકિસ્તાન અને ચીન) પરમાણુ શક્તિઓ છે અને તે નક્કી કરવું હંમેશા એક પડકાર રહેશે કે, આપણે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવા માંગીએ છીએ.
નોંધનીય છે કે, CDS ચૌહાણ શુક્રવારે મહંત દિગ્વિજયનાથ મહારાજ અને મહંત અવૈદ્યનાથ મહારાજની પુણ્યતિથિ પર આયોજિત વાર્ષિક વ્યાખ્યાનમાં હાજરી આપવા માટે ગોરખનાથ મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં તેમણે ભારત સામે રાષ્ટ્રીય સુરક્ષા પડકારો વિષય પર આયોજિત સત્રને સંબોધિત કર્યું.