ખાલિસ્તાનીઓ સામે કેનેડા ઘુંટણીયે, G-7માં વડાપ્રધાન મોદીને આમંત્રણ નહીં
પીએમ મોદીને આમંત્રણ આપવામાં નહીં આવતા મોદી આ વર્ષે જી-7ની બેઠકમાં હાજર રહેવાના નથી. આપણને એમ હતું કે, કેનેડામાં ટ્રુડોની સરકારના પતન પછી નવી માર્ક કાર્નીની સરકાર સત્તા પર આવશે ત્યારે બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરશે પણ માર્ક કાર્ની સત્તા પર આવ્યા પછી પણ બધું દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાયો છે. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા છે આમ છતાં તેને આ વર્ષે આમંત્રણ આપવામાં નહીં આવતા વિશ્વના અન્ય દેશોને પણ આંચકો લાગ્યો છે.
ભારત 2019થી સતત જી-7નો હિસ્સો બનતું આવ્યું છે. જી-7નાં વિકાસમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે પણ આજકાલ ભૂભૌગોલિક રીતે ઊથલપાથલ થયા પછી રાજકીય સમીકરણો પણ બદલાઈ ગયા છે. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો હજી પણ જોર કરી રહ્યા છે. ભારતની ગ્લોબલ ગ્રોથમાં મહત્ત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભારત તેમાં ભાગ લેતું હતું પણ હવે અન્ય પરીબળો તેમાં ભૂમિકા ભજવતા થતા ભારતને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
2019માં ફ્રાન્સથી ભારત માટે જી-7માં ભાગ લેવાનો સિલસિલો શરૂૂ થયો હતો. આ પછી અનેક પ્રતિકૂળતા વચ્ચે પણ તેમાં ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. ગયા વર્ષે ઈટાલીએ પણ આ પરંપરા જાળવી રાખી હતી. ઈટાલીમાં મોદીએ વિશ્વના દેશોને સામાજિક અસમાનતા દૂર કરવા અને અઈંનાં અર્થપૂર્ણ ઉપયોગ કરવાની વાત કરી હતી. ભારત ખાસ કરીને આ મંચનો ઉપયોગ વિશ્વમાં શાંતિ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંકલિત વિકાસનો સંદેશો આપવા માટે કરે છે પણ આ વખતે કેનેડાએ ભારતને આમંત્રણ નહીં આપીને આ તક ખૂંચવી લીધી છે. જી-7 એ સાત ધનિક દેશોનો સમૂહ છે. આ તમામ દેશો વિકસિત છે અને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ છે. કેનેડાને જે રીતે ખાલિસ્તાનીઓએ બાનમાં લીધા છે તે પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે જે રીતે માર્ક કાર્ની ઝૂકી ગયા છે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા જગાવી છે.
ભારત વિના જી-7નાં દેશો ચીનના વિસ્તારવાદ સામે કેટલું ટકી રહેશે તે પણ એક સવાલ છે.
જી-7માં ભારતને આમંત્રણ આપીને તેની સાથે સંબંધો સુધારવા માટે કેનેડા પાસે સારી તક હતી પણ હવે તેણે આ તક ગુમાવી દીધી છે. અમેરીકા સામે બાથ ભીડવા પણ તેને ભારત જેવા દેશ અને મોદી જેવા નેતાના સપોર્ટની જરૂૂર હતી પણ કેનેડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ તક ગુમાવી દીધી છે. વાતોમાં શૂરા લાગતા કેનેડાના નેતાઓ હવે ક્યારે અને કેવી રીતે ભારત સાથેના સંબંધો સુધારે છે અને તેમાં સંતુલન જાળવે છે તે જોવાનું રહ્યું.