ઈઝરાયલ પર હુમલો આત્મરક્ષણ ગણાવી ઈરાને હથિયાર હેઠાં મુક્યા
ગઈકાલે ઈરાને ઈઝરાયલ પર 180થી વધુ બેલેસ્ટીક મિસાઈલો ઝીંક્યા બાદ અમેરિકા અને ફ્રાંસ સહિતના દેશોએ ઈઝરાયેલની લડાઈને ટેકો જાહેર કરતા યુદ્ધ વધુ વકરે તેવા સંજોગો બની ગયા હતાં. યુદ્ધની પરિસ્થિતિમાં વિશ્ર્વના શક્તિશાળી દેશો ઈઝરાયેલનો પક્ષ લેવા મંંડતા ઈરાને આજે સવારે જ હથિયાર હેઠા મુકી દીધા હતાં. ઈરાને આજે સવારે જાહેરાત કરી હતી કે, ઈઝરાયેલ ઉપર હુમલો આત્મરક્ષણ માટે કર્યો હતો. હવે અમે ઈઝરાયેલ તરફથી હુમલો ન થાય ત્યાં સુધી કોઈ હુમલો કરીશું નહીં.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ઈઝરાયેલ વધુ હુમલા ન કરે તો અમારા તરફથી યુદ્ધને લગતી કાર્યવાહી પુરી થઈ ગઈ છે. ઈઝરાયેલે આજે સવારે બેરુતના દક્ષિણ ઉપનગરો કે જ્યાં હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર ગણાય છે તેના પર નવેસરથી બોંબમારો ચાલુ કરી દીધો છે. અને ઓછામાં ઓછા છ જેટલા હવાઈ હુમલા કર્યા હતાં. બેરુતના આ ભાગોમાંથી ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા હતાં. સામી તરફે ઈરાનનો ઈઝરાયલ ઉપર ગઈકાલનો મિસાઈલ એટેક અત્યાર સુધીના યુદ્ધમાં ઈરાનની સૌથી મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે. જો કે, આ હુમલામાં ઈઝરાયેલમાં કોઈનું મૃત્યુ થયાના સમાચાર મળ્યા નથી. પરંતુ ઈઝરાયેલના કબ્જાના પશ્ર્ચિમ કાઠાના વિસ્તારમાં એક મૃત્યુ થયાનું ત્યાંના અધિકારીઓએ જણાવ્યું હતું. ઈરાને કરેલ હુમલો ફક્ત ઈઝરાયેલની સૈન્ય સુવિધા ઉપર કરવામાં આવ્યું હોવાનું ગણાવ્યું હતું.