કેલિફોર્નિયાની શનેલની 3.8 ઇંચ લાંબી જીભ, ગિનેસ વર્લ્ડ બુકમાં સ્થાન
કેલિફોર્નિયામાં રહેતી શનેલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 9.75 સેન્ટિમીટર એટલે કે લગભગ 3.8 ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી જીભ અલગ પડે છે ત્યાંથી જીભની ટિપ સુધીની છે. તે જ્યારે લાંબી જીભડી બહાર કાઢે છે ત્યારે એ છેક દાઢીથી પણ નીચે જાય છે અને જીભને ઉપર ઉઠાવે ત્યારે એ નાકને ટચ કરી શકે છે. આ અસામાન્ય લંબાઈ માટે શનેલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે.
શનેલને તેની લાંબી જીભ કંઈક વિશેષ છે એની ખબર આઠ વર્ષની ઉંમરે પડી હતી. હેલોવીન ફેસ્ટિવલમાં તે મમ્મી સાથે ડરામણા ફોટો પડાવી રહી હતી ત્યારે અચાનક જ તેણે ફોટોમાં પોતાની જીભ જોઈ. એ પછી તેણે આખી જીભ લાંબી કરીને વધુ ફોટો પડાવ્યા. એ ફોટોની પ્રિન્ટ કોઈને પણ બતાવતી ત્યારે બધાની સૌથી પહેલી નજર તેની જીભ પર જ પડવા લાગી. એ પછી તે સ્કૂલમાં હતી ત્યારે પણ તેને લાંબી જીભ સાથે કરતબો કરવાં બહુ ગમતાં એટલે લોકો પણ એની નોંધ લેવા લાગ્યા. શનેલનું કહેવું છે કે જ્યારે હું ધીમે-ધીમે જીભ કાઢીને લાંબી કરતી જાઉં છું ત્યારે ભલભલા લોકો ડરથી ચીસ પાડી ઊઠે છે અને મને એ બહુ ગમે છે. ગિનેસમાં નામ નોંધાવતી વખતે જીભની માપણી થઈ રહી હતી ત્યારે એની લંબાઈ એક સાદા આઇફોન જેટલી હોવાનું નોંધાયું હતું.