નાઈજીરિયામાં બોકો હરામનો આતંક, 100થી વધુ લોકોના મોત
શંકાસ્પદ બોકો હરામ આતંકવાદીઓએ ઉત્તરપૂર્વીય નાઇજીરીયામાં એક પછી એક જીવલેણ હુમલા શરૂ કર્યા છે.જેમાં ઓછામાં ઓછા 100 ગ્રામજનો માર્યા ગયા છે. આ ઘટના રવિવારે યોબેના તરમુવા કાઉન્સિલ વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, 50 થી વધુ ઉગ્રવાદીઓ બાઇક પર સવાર થઈને આવ્યા હતા અને પહેલા ગોળીબાર કર્યો અને પછી બિલ્ડિંગને આગ લગાવી દીધી.
યોબેના ડેપ્યુટી ગવર્નર ઈદી બર્ડે ગુબાનાએ જણાવ્યું કે હુમલામાં 34 લોકોના મોત થયા છે. પરંતુ સ્થાનિક નેતા જાના ઉમરના જણાવ્યા અનુસાર વાસ્તવિક સંખ્યા 102 છે. તેમણે કહ્યું કે અધિકારીઓના આગમન પહેલા ઘણા લોકોને કાં તો દફનાવવામાં આવ્યા હતા અથવા તેમના મૃતદેહોને અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. ઉમરે એ પણ જણાવ્યું કે હજુ પણ ઘણા લોકો ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.
આ હુમલાની જવાબદારી લેતા ઉગ્રવાદીઓએ કહ્યું કે આ કાર્યવાહી ગ્રામજનો દ્વારા સુરક્ષા જવાનોને તેમની ગતિવિધિઓની માહિતી આપવાના બદલામાં કરવામાં આવી હતી. આ હુમલાને છેલ્લા વર્ષના સૌથી ઘાતક હુમલાઓમાંથી એક માનવામાં આવે છે, જે નાઈજીરિયામાં અસુરક્ષા અને આતંકવાદની વધતી જતી સ્થિતિને દર્શાવે છે.
બોકો હરામ શું છે?
બોકો હરામ એક ઈસ્લામિક ઉગ્રવાદી જૂથ છે, જેની સ્થાપના 2002માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાઇજીરીયામાં શરિયા કાયદાનો અમલ કરવાનો અને પશ્ચિમી શિક્ષણનો વિરોધ કરવાનો છે. આ જૂથે છેલ્લા 10 વર્ષમાં હજારો લોકોની હત્યા કરી છે અને લાખો લોકોને વિસ્થાપિત કર્યા છે. બોકો હરામના હુમલા માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નથી, પરંતુ શાળાઓ અને ધાર્મિક સ્થળો પર પણ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નાઈજીરિયાની સરકાર અને સુરક્ષા દળો આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિને સુધારવી મુશ્કેલ બની રહી છે. સ્થાનિક સમુદાયોને સુરક્ષા પ્રદાન કરવા અને હુમલાઓને રોકવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.