કેનેડામાં ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો
કેનેડામાં છેલ્લા ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીની વંશિકાનો મૃતદેહ મળી આવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પણ વંશિકાના મૃત્યુની પુષ્ટિ કરી છે. વંશિકાનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો હોવાથી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં કેનેડા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વંશિકા આમ આદમી પાર્ટીના નેતા દેવિન્દર સિંહની પુત્રી છે, જે આપના ધારાસભ્ય કુલજીત સિંહ રંધાવાના નજીકના માનવામાં આવે છે. વંશિકા પંજાબના ડેરા બસ્સીની રહેવાસી હતી અને લગભગ અઢી વર્ષ પહેલાં અભ્યાસ માટે કેનેડા ગઈ હતી. વંશિકા 25 એપ્રિલના રોજ સાંજે રૂૂમ જોવા માટે તેના ઘરેથી નીકળી હતી, પરંતુ પાછી ફરી ન હતી. હવે તેનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં દરિયા કિનારે મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે વંશિકા 25 ભાડાનો રૂૂમ જોવા માટે ગઈ હતી પરંતુ થોડા સમય બાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. બીજા દિવસે તેની મહત્વની પરીક્ષા હતી, તે પણ ચૂકી ગઈ, જેના કારણે વંશિકાના પરિચિતોને ચિંતા થઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.