ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન પરત લાવવાની કાર્યવાહી થશે. યુવાનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને પત્ની સાથે સિડનીમાં રહેતો હતો. યુવકના મોતના સમાચારથી પરિવારમાં અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હળવદના મેરૂૂપર ગામનો યુવાન જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (ઉ.વ.29) સાતેક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાર બાદ ત્યાં ભણી ત્યાં જ નોકરીએ પણ લાગ્યો હતો. યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ તેમના પત્નીના વિઝા પણ થઈ જતા પતિ-પત્ની બંને સિડનીમાં રહેતા હતા. યુવાન નોકરી કરતો હતો જ્યારે તેના પત્ની હાઉસ વાઈફ હતા. ગત તા.1 જુનના રોજ રાત્રીના આ યુવાન નોકરી ઉપર નીકળ્યો હતો. ત્યાર બાદ ઘરે પરત ન ફરતા તેના પત્નીએ 2 જૂને ત્યાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ત્યાંના સ્થાનિક મીડિયામાં પણ આ અંગે સમાચા પ્રસિદ્ધ કરાવ્યા હતા. ત્યારબાદ તા.6ના રોજ આ યુવાન જ્યાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પત્નીને મૃતદેહની ઓળખ માટે બોલાવ્યા બાદ આ મૃતદેહ તેમના પતિનો જ હોવાની ખરાઈ થઈ હતી. ત્યાં શનિવારથી સોમવાર સુધી રજા હોવાથી હવે મંગળવારે મૃતદેહનું પીએમ થવાનું છે. પીએમ બાદ આ યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
બીજી તરફ પીએમ બાદ યુવાનનો મૃતદેહ વતન પરત લાવવા હળવદના રાજકીય આગેવાનો પરિવારના સતત સંપર્કમાં છે. તેઓ દુતાવાસ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને આ મામલે જાણ કરી તેમની મદદથી મૃતદેહને જલ્દીથી વતન લાવવા પ્રયાસ કરી રહ્યા છે. સાથે સિડનીમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો પણ મદદરૂૂપ થઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.