અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો વિસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ અંગરક્ષકો સહિત 12 લોકો મોત થયાં છે.એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોસ્તથી આવેલા લોકોના ગ્રૂપની યજમાની કરી રહ્યા હતા.
તાલિબાન સરકારે ‘ધ ખોરાસાન ડાયરી’ સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે. રાજધાની કાબુલમાં મંત્રાલયના પરિસરમાં આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કરાવ્યો તે અંગે હાલમાં વધુ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થઈ ગયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ખલીલ રહેમાન હક્કાની, તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા અને હક્કાની નેટવર્કમાં મુખ્ય વ્યક્તિ, ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા પર વાપસી બાદબાદ શરણાર્થીઓના કાર્યવાહક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો લક્ષ્યાંકિત હુમલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ મામલે કોઈ સંગઠનની સંડોવણી બહાર આવી નથી. અહેવાલો અનુસાર, ઇસ્લામિક સ્ટેટ (ISIS-K)ના ખોરાસાન પ્રાંતે વારંવાર આવા હુમલા કર્યા છે, જેણે તાજેતરના મહિનાઓમાં તાલિબાન સરકાર સાથે તણાવમાં વધારો કર્યો છે, હાલમાં આ ઘટનાની સંપૂર્ણ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.