કાગડા બધે કાળા, ટ્રમ્પની કમલા વિશે ગંદી કોમેન્ટ
આપણે ભારતમાં રાજકારણીઓનું સ્તર સાવ તળિયે ગયું છે અને સત્તા માટે નેતાઓ ગમે તે હદે જઈ શકે છે એવો કકળાટ કરીએ છીએ પણ કાગડા બધે કાળા છે. દુનિયામાં રાજકારણીઓ બધે સરખા છે અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ વિશે કરેલી કોમેન્ટ તેનો પુરાવો છે.
કમલા હેરિસે રાજકારણમાં આગળ આવવા માટે સાન ફ્રાન્સિસ્કોના ભૂતપૂર્વ મેયર વિલી બ્રાઉન સાથે શરીર સંબંધ બાધેલા એવા આક્ષેપ લાંબા સમયથી થાય છે. ટ્રમ્પે આ આક્ષેપને ટેકો આપીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કમલા હેરિસ વિશે કરાયેલી વાંધાજનક પોસ્ટને રીટ્રુથ કરી છે. મતલબ કે પોતાના એકાઉન્ટમાં મૂકી છે.
આ પોસ્ટમાં કમલા હેરિસ અને હિલેરી ક્લિન્ટનનો ફોટો છે. ફોટાની નીચે અહીં લખી ના શકાય એ પ્રકારની ગંદી કોમેન્ટ લખાયેલી છે. ટ્રમ્પે આ પોસ્ટ શેર કરીને હિલેરી ક્લિન્ટન પર પણ ગંદી કોમેન્ટ કરી છે. હિલેરીના પતિ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન 1995માં વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લેવિન્સ્કી સાથે સેક્સ સંબંધોના વિવાદમાં ફસાયા હતા. વાસ્તવમાં ટ્રમ્પ કેમ્પ કમલા હેરિસ સામે લાંબા સમયથી એકદમ હલકી કક્ષાનું કેમ્પેઈન ચલાવે છે. કમલા હેરિસ માટે રેસિયલ, એન્ટિ ડેમોક્રેસી, નકોલ ગર્લથ જેવા ગંદા શબ્દો વપરાઈ રહ્યા છે.
કમલા હેરિસ સેક્સ સંબંધો બાંધીને આગળ આવ્યાં છે એ પ્રકારના ગંદા આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપોમાં કેન્દ્રસ્થાને કમલા હેરિસનું 25 વર્ષ જૂનું વિલી બ્રાઉન સાથેનું અફેર છે. કમલા હેરિસ 29 વર્ષનાં હતાં ત્યારે 31 વર્ષ મોટા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથે સંબધો હતા. 60 વર્ષના બ્રાઉન પરિણીત હોવા છતાં કમલા-વિલી પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. સાન ફ્રાન્સિસ્કોના આફ્રિકન અમેરિકન રાજકારણી વિલિ બ્રાઉને 1996માં સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મેયર બનીને ઈતિહાસ રચ્યો હતો.
આ પહેલાં ટ્રમ્પે કમલા હેરિસની વંશીય ઓળખ અંગે પણ કટાક્ષ કર્યા હતા. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, કમલા હેરિસ ભારતીય છે કે બ્લેક ? ટ્રમ્પે કટાક્ષ કરેલો કે, કમલા હેરિસ હંમેશાં પોતાને ભારતીય ગણાવતાં હતાં અને ભારતીય વારસાનું ગર્વ લેતાં પણ થોડાં વર્ષો પહેલા અચાનક કમલા બ્લેક થઈ ગયાં છે. ટ્રમ્પે ટોણો મારેલો કે, કમલા બ્લેક છે એવી તેમને ખબર જ નહોતી અને પોતે તો કમલાને ભારતીય મૂળનાં જ માનતા હતા પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કમલા પોતાને બ્લેક તરીકે ઓળખાવે છે એ જોઈને લાગે છે કે, કમલા જરૂૂર પડે ત્યારે બ્લેક બની જાય છે અને જરૂૂર લાગે ત્યારે ભારતીય બની જાય છે.ટ્રમ્પની વાતો આઘાતજનક છે પણ તેમાં તેમની હતાશા પ્રતિબિંબિત થાય છે. જો બાઈડન સામે લડવાનું હતું ત્યારે ટ્રમ્પ એકદમ આત્મવિશ્ર્વાસમાં હતા કેમ કે બાઈડન નબળા હરીફ હતા. વારંવાર બધું ભૂલી જતા બાઈડન સામે ટ્રમ્પની જીત પાકી લાગતી હતી પણ જેવા બાઈડન ખસ્યા ને કમલા મેદાનમાં આવ્યાં કે તરત ચિત્ર બદલાઈ ગયું.
હવે કમલા હેરિસની જીતની શક્યતાઓ વધારે લાગી રહી છે અને આ કારણે ટ્રમ્પ ડરી ગયા લાગે છે. આ ડરના કારણે એ છેલ્લી પાયરીએ ઊતરીને કમલાની સેક્સ લાઈફ ને વંશીય ઓળખને મુદ્દા બનાવી રહ્યા છે. અમેરિકાની જનતા દુનિયામાં સૌથી બોલ્ડ અને ખુલ્લા મનની મનાય છે. ટ્રમ્પના આક્ષેપો પછી અમેરિકન મતદારોની કસોટી છે. અમેરિકાના મતદારો ટ્રમ્પના સંકુચિત વિચારોને સમર્થન આપે છે કે કમલા જેવાં છે એવાં તેમને સ્વીકારે છે એ જોવાનું રહે છે.