ટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પાર
બીટકોઇનની કિંમત પ્રથમ વખત 1 લાખ ડોલર (100000 માર્ક) ને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં બિટકોઇન તેજીમાં છે. ક્રિપ્ટો ટ્રેડર્સને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સી ફ્રેન્ડલી પોલિસી લાવી શકે છે, જેના કારણે બિટકોઈનમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે.
બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનને કારણે બિટકોઈનની કિંમતમાં વધારો થયો છે. તેમણે મોસ્કોમાં ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે હવે કોઈ બિટકોઈન અને વર્ચ્યુઅલ એસેટ પર પ્રતિબંધ લગાવી શકશે નહીં.
ગુરુવાર, 5 ડિસેમ્બર, 2024ના રોજ બિટકોઈન 102,727 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. 5 નવેમ્બર, 2024 ના રોજ યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી બિટકોઈનની કિંમત સતત વધી રહી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકાને વિશ્વની બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સી કેપિટલ બનાવવાનું વચન આપ્યું હતું. પોલ એટક્ધિસને એસઇસીના વડા બનાવવામાં આવે તેવી શક્યતાને કારણે બિટકોઈનને પણ વેગ મળ્યો છે. 2017 થી, એટક્ધિસે ડિજિટલ ચેમ્બર ઓફ કોમર્સની સહ-અધ્યક્ષતા કરી છે, જે ડિજિટલ સંપત્તિના ઉપયોગને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. પોલ એટક્ધિસ ગેરી ગેન્સલરનું સ્થાન લઈ શકે છે, જેને ક્રિપ્ટોકરન્સીના વિરોધી તરીકે જોવામાં આવે છે.
વર્ષ 2024માં બિટકોઈનની કિંમતમાં 134 ટકાનો વધારો થયો છે. જ્યારે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ બિટકોઈનમાં 50 ટકાનો વધારો થયો છે. બર્નસ્ટેનના નિષ્ણાતોએ આગાહી કરી છે કે 2025માં બિટકોઈનની કિંમત 2 લાખ ડોલર થશે. મતલબ કે વર્તમાન સ્તરથી આ ક્રિપ્ટોકરન્સીમાં ડબલ વધારો થઈ શકે છે. ટ્રમ્પ અમેરિકામાં બિટકોઈન રિઝર્વ બનાવી શકે છે, આવી સ્થિતિમાં હવેથી બિટકોઈનની જોરદાર ખરીદી થઈ રહી છે. તેના કારણે પણ ભાવમાં રેકોર્ડ વધારો થયો છે.
છેલ્લા બે દિવસમાં બિટકોઈન અને શિબા ઈનુ કોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ, ડોગકોઈનની કિંમત ત્રણ ટકા વધી હતી અને હાલમાં તે 0.45 અમેરિકન ડોલર પર છે. તેજી વચ્ચે તેની કિંમત ટૂંક સમયમાં 1 ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. દરમિયાન, શિબા ઇનુ કોઇન (જઇંઈંઇ) ના બર્ન રેટમાં સાત ટકાનો વધારો થયો છે અને કિંમતમાં 50 ટકા તેજી આવે તેવી અપેક્ષા છે.