મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો, અનેક મુદ્દે ચર્ચા-સમજુતિ કરાર
રશિયન પ્રમુખના ગઇરાતે ભવ્ય સ્વાગત પછી ડિનર બેઠકમાં અનૌપચારિક ચર્ચા પછી બન્ને દેશોના વડાઓ વચ્ચે શિખર મંત્રણા
ગઇ સાંજે દિલ્હી પહોંચેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની મુલાકાતના બીજા દિવસની શરૂૂઆત સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત સાથે થઇ હતી. ત્યારબાદ રશિયન નેતાએ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જ્યાં બંને નેતાઓ તેમની દ્વિપક્ષીય વાટાઘાટો થઇ હતી. મંત્રણાના અંતે બન્ને દેશો વચ્ચે સંરક્ષણ તથા આર્થીક ક્ષેત્રે મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતા. સાંજે 7 વાગ્યે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ માટે રાત્રિભોજનનું આયોજન કરશે.
23મી ભારત-રશિયા સમિટમાં મુખ્યત્વે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા, બાહ્ય દબાણથી ભારત-રશિયા વેપારને સુરક્ષિત રાખવા અને નાના મોડ્યુલર રિએક્ટર પર સહયોગ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ વાટાઘાટો દરમિયાન, વધતી જતી વેપાર ખાધ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી અને એ સંદર્ભમાં રશિયાએ ભારતથી મચ્છીમારી સહીત કૃષિ ચિજોની આયાત કરવાની તૈયારી બતાવી હતી.
પુતિનની મુલાકાત એક મહત્વપૂર્ણ સમયે આવી રહી છે, કારણ કે મોસ્કોથી તેલ ખરીદી પર અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને કારણે વોશિંગ્ટન સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે. ભારતની ઊર્જા આયાત પર આ ટેરિફની અસર ચર્ચામાં કેન્દ્રસ્થાને રહી હતી.
દરમિયાન, રશિયન નેતાએ યુક્રેન યુદ્ધ સંબંધિત નવીનતમ યુએસ પહેલ વિશે પણ વડા પ્રધાન મોદીને માહિતી આપ હતી. ભારતે સતત કહ્યું છે કે યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી અને વાતચીત એકમાત્ર વ્યવહારુ માર્ગ છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ચાલુ મુલાકાત થઇ રહી હતી ત્યારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમના રશિયન સમકક્ષ સાથે બેઠક યોજી. એકસ પરની એક પોસ્ટમાં, ગોયલે કહ્યું કે તેમણે રશિયન આર્થિક વિકાસ મંત્રી મેક્સિમ રેશેટનિકોવ સાથે ઉત્પાદક બેઠક યોજી હતી, જે દરમિયાન બંને પક્ષોએ ખાદ્ય અને કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, ઓટોમોબાઇલ્સ અને વધુ ક્ષેત્રોમાં સહયોગની ચર્ચા કરી હતી.
ભારતના ઉષ્માભર્યા સ્વાગત પર ક્રેમલિનની પ્રતિક્રિયા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ક્રેમલિન દ્વારા પીએમ મોદીના ભારત આગમન અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમનો વિમાન મથકે જવાનો અને રશિયન રાષ્ટ્રપતિને મળવાનો નિર્ણય અણધાર્યો હતો. રશિયન અધિકારીઓને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી.