પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક
રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર બાઈડનને માફી આપી એ જોયા પછી લાગે કે, કાગડા બધે જ કાળા છે. ભારત હોય કે અમેરિકા, નેતાઓ બધે સરખા જ છે. હન્ટર બાઈડન સામે ગેરકાયદેસર બંદૂક રાખવાનો અને કરચોરી અંગેનો કેસ હતો. બે- ચાર અઠવાડિયામાં તેના કેસનો ચુકાદો આવવાનો હતો પણ એ પહેલાં બાઈડને પોતાના પ્રેસિડેન્શિયલ પાવર એટલે કે પ્રમુખ તરીકેની ખાસ સત્તાનો ઉપયોગ કરીને હન્ટરના ગુના માફ કરી દીધા. અમેરિકાના પ્રમુખ તરીકે બાઇડન પાસે ત્રણ વ્યક્તિની સજા માફ કરવાની સત્તા હતી ને તેનો ઉપયોગ તેમણે દીકરાને માફ કરવા કરી લીધો.
મજાની વાત એ છે કે, હન્ટરે પોતે એવું લખ્યું કે, મેં મારી ભૂલો સ્વીકારી છે અને તેની જવાબદારી લીધી છે. જેના કારણે મારા પરિવારને જાહેરમાં અપમાનિત અને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. હું આ માફીને ક્યારેય હળવાશથી લઈશ નહીં. બાઇડનના નિર્ણયે અમેરિકામાં લોકોમાં આક્રોશ પેદા કર્યો છે કેમ કે કોઈ પ્રમુખ પોતાના નાલાયક દીકરાને બચાવવા માટે બંધારણે આપેલી સત્તાનો દુરુપયોગ કરે એવું અમેરિકામાં પહેલી વાર બન્યું છે. બાઇડનના નિર્ણયની ડોનલ્ડ ટ્રમ્પ અને તેમની પાર્ટીએ તો ટીકા કરી જ છે પણ બાઇડનની પોતાની ડેમોક્રેટિક પાર્ટીના નેતા પણ ઝાટકણી કાઢી રહ્યા છે.
ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને પણ લાગી રહ્યું છે કે બાઇડને હદ કરી નાંખી છે. કોઈ પ્રમુખ પોતાના દીકરાને બચાવવા માટે વિશેષ સત્તાનો દુરુપયોગ કરે તેનાથી વધારે શરમજનક કંઈ ના કહેવાય. આ નિર્ણય દ્વારા બાઇડને પોતાના ધોળામાં ધૂળ નાખી છે. જો કે બાઇડન પોતે પણ દૂધના ધોયેલા નથી. જો બાઇડન અને તેમના દીકરા હન્ટરે ભેગા મળીને કરેલા ગોરખધંધાઓનો ચોપડો ખોલો તો એ કોઈનાથી જરાય ઉતરતા સાબિત થાય તેમ નથી. બાઇડન સામે તેમની મહિલા કર્મચારીએ જાતિય સતામણીનો આરોપ મૂકેલો. બાઇડને પોતાની સત્તાનો દુરુપયોગ પુત્ર તથા પરિવારને ફાયદો કરાવવા માટે કર્યો છે એ જોતાં બાઇડન પણ અનૈતિકતામાં કોઈનાથી કમ નથી. આ કારણે બાઇડને પોતાના દીકરાની સજા માફ કરી દીધી તેમાં કોઈને બહુ મોટો આંચકો લાગ્યો નથી.