બાઇડેન ભારતમાં બીજા કોઇને વિજયી જોવા માગતા હતા: ફંડિંગ મુદ્દે ટ્રમ્પનો ધડાકો
ભારતમાં મતદાનની ટકાવારી વધારવા આપણે 2 કરોડ ડોલર ખર્ચવાની શી જરૂર?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદાન વધારવા માટે યુએસ ફંડિંગ રોકવાના નિર્ણય પર ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે આપણે 20 મિલિયન ડોલર ખર્ચવાની શી જરૂૂર છે?
ફ્લોરિડાના મિયામીમાં FII પ્રાયોરિટી સમિટને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે આપણે ભારતમાં આટલા પૈસા શા માટે ખર્ચવા પડે છે? મતદાનની ટકાવારી વધારવા બે કરોડ ડોલર? મને લાગે છે કે તેઓ (બાઇડેન વહીવટીતંત્ર) ભારતમાં બીજા કોઈને જીતતા જોવા માંગતા હતા. અમારે આ અંગે ભારત સરકાર સાથે વાત કરવી પડશે.
અગાઉ પણ ટ્રમ્પે 20 મિલિયન ડોલરનું યુએસ ફંડિંગ રોકવાના DOGEના નિર્ણયનો બચાવ કર્યો હતો. ભારત જેવા દેશને આવી મદદ આપવાની જરૂૂરિયાત પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે અમે ભારતને 20 મિલિયન ડોલર શા માટે આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલનારા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે.
હું ભારત અને તેના વડા પ્રધાનનું ખૂબ સન્માન કરું છું પરંતુ મતદાર મતદાન માટે 20 મિલિયન ડોલર શા માટે ચૂકવો?ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ એલોન મસ્કના નેતૃત્વમાં DOGE એ વિવિધ દેશોને ફંડિંગ રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં વોટિંગને પ્રોત્સાહન આપવા માટે 20 મિલિયન ડોલરની રકમ પણ સામેલ હતી. DOGEએ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે બનાવેલા 20 મિલિયન પ્રોગ્રામમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.