બાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપી
અમેરિકાએ તેની નીતિમાં બહુ મોટો ફેરફાર કર્યો છે અને યુક્રેનને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી મિસાઇલ્સનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. યુક્રેન આ મિસાઇલ્સની મદદથી રશિયામાં ખૂબ ઊંડે સુધી પ્રહાર કરવા સક્ષમ બનશે.
અમેરિકામાં બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસ સમક્ષ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીના કહેવા પ્રમાણે, આવી વાતો જાહેર ન કરવાની હોય. મિસાઇલ્સ જ બોલશે.
યુક્રેન અત્યાર સુધી અમેરિકા દ્વારા આપવામાં આવેલી લાંબા અંતરની મિસાઇલ્સનો ઉપયોગ માત્ર પોતાના દેશના સીમાવિસ્તારમાં રહેલા રશિયન લક્ષ્યાંકોને વેધવા માટે જ કરી શકતું હતું. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આવી હિલચાલ સામે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું હતું કે જો આવો કોઈ નિર્ણય લેવામાં આવશે તો યુક્રેન યુદ્ધમાં નાટો સામેલ થયું છે એમ માનવામાં આવશે.પુતિને તાજેતરના ઘટનાક્રમ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ રશિયાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ વકરશે.