રશિયાની અંદર મિસાઇલ હુમલો કરવાની છૂટ આપી બાઇડેને ટ્રમ્પનો માર્ગ કાંટાળો કર્યો
અમેરિકાના પ્રમુખ જો બાઇડનની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રમુખપદની બીજી ઈનિંગ શરૂૂ કરવા તૈયાર છે ત્યારે જતાં જતાં જો બિડેને બહુ મોટો નિર્ણય લઈ લીધો. અમેરિકાની અત્યાર સુધીની નીતિમાં નોંધપાત્ર ફેરફાર કરીને બિડેન વહીવટીતંત્રે યુક્રેનને અમેરિકા દ્વારા અપાયેલાં શસ્ત્રોના ઉપયોગને મંજૂરી આપીને આ શસ્ત્રોના ઉપયોગ પરના લાંબા સમયથી પ્રતિબંધો હટાવી દીધા છે. મતલબ કે, હવે યુક્રેનનું લશ્કર રશિયા સામેના યુદ્ધમાં અમેરિકન મિસાઈલોનો ઉપયોગ કરી શકશે. બિડેને યુક્રેનિયન દળોને અમેરિકાનાં મિસાઈલથી રશિયન પ્રદેશમાં ઊડે સુધી પ્રહાર કરવાની મંજૂરી આપી તેની રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટી અસરો થવાની ધારણા છે. અમેરિકાના નિર્ણયથી દોઢ વર્ષથી બંને દેશ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભડકશે કેમ કે યુક્રેન અમેરિકાના મિસાઈલ વાપરશે તો રશિયા પણ ચૂપચાપ બેસી નહીં રહે.
રશિયા પાસે અમેરિકા જેવાં જ મિસાઈલ છે એ જોતાં યુદ્ધ ઉગ્ર બને એવી શક્યતા જરાય નકારી ના શકાય. અમેરિકાએ મંજૂરી આપતાં યુક્રેન યુદ્ધમાં પહેલી વાર લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરી શકશે. યુક્રેન એટીએસીએમએસ રોકેટ સહિતનાં યુએસ શસ્ત્રોનો ઉપયોગ કરીને રશિયન લશ્કરી ટાર્ગેટ પર વાર કરી શકશે. અમેરિકાએ આપેલાં આ મિસાઇલો 190 માઇલ એટલે કે 306 કિમી સુધીની રેન્જ ધરાવે છે એ જોતાં રશિયામાં અંદર સુધી પ્રહાર કરી શકશે. યુક્રેન લાંબા સમયથી આ મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી માગતું હતું પણ અમેરિકા ના પાડતું હતું. હવે અચાનક બિડેન યુક્રેન પર રીઝી ગયા એ પાછળનો ઉદ્દેશ ડોનાલ્ડ ટ્રમ્પને ભીંસમાં મૂકવાનો છે એ કહેવાની જરૂૂર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુક્રેનને અમેરિકા દ્વારા અપાતી લશ્કરી અને નાણાકીય સહાયની ટીકા કરતા રહ્યા છે તેથી તેમને માફક ના આવે એ નિર્ણય છે એ કહેવાની જરૂૂર નથી.
ટ્રમ્પે વારંવાર યુદ્ધનો અંત લાવવાની હાકલ કરી છે અને શાંતિ સ્થાપવા માટે ઝડપથી નિરાકરણ માટે વાટાઘાટો કરવાનું વચન પણ આપ્યું છે. ટ્રમ્પ ધારે તો રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવી શકે છે. યુક્રેન અમેરિકાનું સાથી છે અને અમેરિકાના જોરે જ યુદ્ધ લડી રહ્યાં છે. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા સીધું સામેલ નથી પણ યુક્રેનને તન, મન, ધનથી મદદ કરી જે રહ્યું છે. અમેરિકા યુક્રેનને મદદ બંધ કરી દે તો ઝેલેન્સ્કીની તાકાત નથી કે રશિયા સામે ટકી શકે. અમેરિકા તથા પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરવાનું બંધ કરશે તો આપોઆપ યુક્રેન ઠંડું પડી જશે ને યુદ્ધ પણ ઠંડું પડી જશે. અમેરિકા વિશ્વમાં શાંતિ ઈચ્છતું હોય તો અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કરવું જોઈએ અને બીજી સહાય પણ ના કરવી જોઈએ. ટ્રમ્પ પાસે એલન મસ્ક સહિતના સાથીઓ છે કે જે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે સંપર્કમાં છે. મસ્કે થોડા દિવસ પહેલાં જ પુતિન સાથે વાત કરી ત્યારે યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બને એ પહેલાં જ વાટાઘાટોનો તખ્તો તૈયાર થઈ જાય ને ટ્રમ્પ પ્રમુખ બનતાં જ જશ ખાટી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે.