શેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશ
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ICT) ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં દિલ્હીમાં છે. તેમના વાપસીને સુરક્ષિત કરવા માટે વચગાળાની સરકારે ત્રણ અલગ અલગ મોરચે કામ શરૂૂ કરી દીધું છે.
ચુકાદા પછી, બાંગ્લાદેશના કાનૂની સલાહકાર પ્રોફેસર આસિફ નજરુલે જણાવ્યું હતું કે તેઓ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરીને ભારતને ફરીથી પત્ર લખશે. તેમના નિવેદનના થોડા સમય પછી, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પત્ર લખ્યો જેમાં શેખ હસીનાના પ્રત્યાર્પણ માટેનો ચુકાદો આધાર ગણાવ્યો છે. નઝરુલે કહ્યું કે, જો ભારત આ સામૂહિક હત્યારાને આશ્રય આપવાનું ચાલુ રાખશે તો ભારતે સમજવું જોઈએ કે આ બાંગ્લાદેશ અને બાંગ્લાદેશી લોકો સામે શત્રુતાપૂર્ણ અને અત્યંત નિંદનીય વર્તન છે.
જો કે પ્રત્યાર્પણ પ્રક્રિયામાં કાનુની ગુંચ છે. જો બાંગ્લાદેશ ઇન્ટરપોલ દ્વારા શેખ હસીનાની ધરપકડ કરવા માંગે છે, તો તે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયાનું પાલન કરશે. રેડ કોર્નર નોટિસ એ વ્યક્તિની આંતરરાષ્ટ્રીય ધરપકડની સૂચના છે, જે સભ્ય દેશોની પોલીસને મોકલવામાં આવે છે.
જોકે, ભારતમાં કોઈની ધરપકડ કરવા માટે ભારતીય કાયદા અને બંધારણ હેઠળ યોગ્ય પ્રક્રિયા જરૂૂરી છે. શેખ હસીનાની ધરપકડ કરવી અને તેમને બાંગ્લાદેશ પ્રત્યાર્પણ કરવું કે નહીં તે ભારત સરકાર નક્કી કરશે. આ પ્રક્રિયા માટે ન્યાયિક અધિકૃતતા પણ જરૂૂરી છે. ભારત હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના આદેશ વિના ઇન્ટરપોલની વિનંતી પર કોઈની સીધી ધરપકડ કરી શકતું નથી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આગામી અઠવાડિયે દિલ્હીમાં તેમના બાંગ્લાદેશી સમકક્ષ ખલીલુર રહેમાનનું સ્વાગત કરશે. બંને પડોશી દેશો વચ્ચેના વર્તમાન તણાવ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રહેમાન 19-20 નવેમ્બરના રોજ ભારતમાં યોજાનારી કોલંબો સુરક્ષા સંમેલનમાં બાંગ્લાદેશી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.