'બાંગ્લાદેશ હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે…' રાજ્યસભામાં વિદેશ મંત્રીનું સંબોધન
વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ અંગે સંસદમાં માહિતી આપી છે. રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રીએ આજે (06 ઓગસ્ટ) કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. બાંગ્લાદેશમાં જાન્યુઆરી 2024માં યોજાયેલી ચૂંટણી બાદથી તણાવનું વાતાવરણ છે. જેના કારણે જૂનમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન શરૂ થયું હતું.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "બાંગ્લાદેશ આપણી ઘણી નજીક છે. જાન્યુઆરીથી ત્યાં ટેન્શન છે. બાંગ્લાદેશમાં જૂન-જુલાઇમાં હિંસા શરૂ થઇ હતી. અમે ત્યાની રાજકીય પાર્ટીઓના સંપર્કમાં છીએ. કોટા સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરી નથી અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે. 4 ઓગસ્ટે સ્થિતિ વધારે બગડી હતી.
વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશના રાજકારણમાં મોટું વિભાજન અને ધ્રુવીકરણ થયું છે. અમે સ્થિતિ સામાન્ય થવાની આશા કરી રહ્યાં છીએ. આપણી સરહદો પર સુરક્ષાદળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તે એલર્ટ છે. બાંગ્લાદેશમાં 18 હજારની આસપાસ ભારતીય છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરત આવી ગયા છે. ત્યાં 12થી 13 હજાર લોકો હજુ પણ છે. હિન્દુ લઘુમતી વેપારીઓના ઘર અને મંદિરો પર હુમલા થયા છે અને આ સૌથી ચિંતાજનક વાત છે. અમે ઢાકાના સંપર્કમાં છીએ અને પોતાના રાજદૂતો અને હિન્દુ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.