બાંગ્લાદેશ ફરી સળગ્યું: શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ, 4નાં મોત
ગોપાલ ગંજમાં હિંસક ઘટનાઓના પગલે રસ્તાઓ પર ટેન્કો ઉતારાઇ
બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકોએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે મોરચો ખોલી દીધો છે. બાંગ્લાદેશના ગોપાલગંજમાં યુનુસ સમર્થિત NCP અને શેખ હસીનાના આવામી લીગના વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અથડામણ થઈ છે. આ વિરોધ પ્રદર્શનો અને અથડામણો દરમિયાન, 4 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. ગોપાલગંજમાં, યુનુસ સરકારે રસ્તાઓ પર ટેન્કો ઉતારી છે.
હાલમાં, વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ અર્ધલશ્કરી જવાનો તૈનાત છે. મોહમ્મદ યુનુસે આ હિંસક અથડામણ માટે આવામી લીગની નિંદા કરી છે અને કહ્યું છે કે હિંસાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. બીજી તરફ, શેખ હસીનાની પાર્ટી આવામી લીગે યુનુસ સરકાર પર તેના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
બાંગ્લાદેશના ગોપાલગંજમાં શેખ હસીનાના સમર્થકો અને રાષ્ટ્રીય નાગરિક પાર્ટીના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી અનુસાર, નેશનલ સિટિઝન્સ પાર્ટીની રેલીમાં શેખ હસીનાની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આવામી લીગના સ્ટુડન્ટ યુનિટ - બાંગ્લાદેશ છાત્ર લીગ પર આ હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આવામી લીગના કાર્યકરોએ હુમલો કર્યો. ત્યારબાદ અથડામણો શરૂૂ થઈ. શેખ હસીનાના સમર્થકોએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂૂ કર્યું. પોલીસે જવાબમાં ગોળીબાર કર્યો, જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાના અહેવાલ છે.
ગોપાલગંજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે એ વાતની પુષ્ટિ કરી છે કે ઘાયલ થયેલા તમામ 9 લોકોને ગોળી વાગી છે. હાલમાં, ગોપાલગંજમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશના ગોપાલગંજમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના 200 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ હિંસા કરનારા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી રહી છે.
શેખ હસીનાને હટાવવામાં સામેલ જૂથે હવે NCP નામનો રાજકીય પક્ષ બનાવ્યો છે. યુનુસ સરકારમાં સલાહકાર રહેલા નાહિદ ઇસ્લામે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ NCP ની રચના કરી. NCP ને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસનું સમર્થન છે. NCP સમગ્ર બાંગ્લાદેશમાં પ્રદર્શનોનું અભિયાન ચલાવી રહ્યું છે. બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાનું પૈતૃક ઘર ગોપાલગંજમાં છે. ગોપાલગંજમાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાનનું સ્મારક પણ છે. રેલી દરમિયાન એનસીપીના વિદ્યાર્થીઓએ શેખ મુજીબુર રહેમાન વિરુદ્ધ નારેબાજી કરી. નારેબાજી પછી, હસીનાના સમર્થકો સાથે અથડામણ શરૂૂ થઈ ગઈ. થોડી જ વારમાં હોબાળો વધી ગયો. પોલીસે પહેલા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો. તે પછી પણ, જ્યારે પરિસ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે ટેન્ક લાવવામાં આવી. શેખ હસીનાના સમર્થકોની ધરપકડ થવા લાગી.